રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ થવાની છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડ રાજ્યમાં મળેલી એક સમિટમાં આ અંગેની મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ નવી હેલિકોપ્ટર પોલીસી જાહેર કરી છે. જેમાં દેશના 10 શહેરમાં જુદા જુદા 82 રૂટ પર હેલિકોપ્ટર વિકસીત કરવાનું આયોજન છે. જેમાં ગુજરાતમાંથી અમદાવાદ ગાંધીનગર વચ્ચે હેલિકોપ્ટર સર્વિસ શરૂ કરવાનું આયોજન છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, દેશના ત્રણ એક્સપ્રેસ હાઈવે પર હેલિપેડ ડેવલપ કરાશે. જેમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, અંબાલા-કોટપુલી અને અંબાલા ભટિંડા-જામનગર એક્સપ્રેસ વેનો સમાવેશ કરાશે. આ ત્રણેય એક્સપ્રેસ વે પર તૈયાર થનારા હેલિપેડનો ઉપયોગ મેડિકલ ઈમરજન્સીની સ્થિતિમાં ઉપરાંત અકસ્માત સમયે પીડિતોને હોસ્પિટલ ખસેડવા માટે થશે. દેશના 10 શહેરથી દેશમાં હેલિકોપ્ટરની શરૂઆત થશે. જોકે, ક્યાર સુધીમાં આ સર્વિસ શરૂ થશે એ અંગે કેન્દ્રીય મંત્રીએ કોઈ પ્રકારની સ્પષ્ટતા કરી નથી. જેમાં મુંબઈના જુહુ-પુના, મહાલક્ષ્મી-રેસકોર્ષ-પુને, ગાંધીનગર અમદાવાદ રૂટનો સમાવેશ કરાયો છે. આ સાથે હેલિકોપ્ટર એક્સેલરેશન સેલની પણ સ્થાપના કરાશે. એવું ઉડ્ડયન મંત્રીએ કહ્યું છે. નાના શહેરમાંથી મહાનગરની લિંક સર્વિસ શરૂ કર્યા બાદ આ બીજો મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. આ સેલથી સમગ્ર ઑપરેશનનું મોનિટરિંગ કરવામાં આવશે. જેનાથી બિઝનેસમાં પણ એક મોટી મદદ મળી રહેશે.
નવી હેલિકોપ્ટર પોલીસી અંતર્ગત હેલિકોપ્ટર્સ ઑપરેટર્સને પાર્કિંગ અને લેડિંગ કોસ્ટમાં પણ છૂટછાટ આપવામાં આવશે. આ માટે હેલી દિશા નામથી એક બુકલેટ પણ પ્રકાશિક કરી દેવામાં આવી છે. જેનું વિમોચન જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું હતું. આ બુકલેટ જે તે જિલ્લાઓના ક્લેક્ટરને આપવામાં આવશે.