લાંબા સમય સુધી રાજકીય પાર્ટી કોંગ્રેસમાં ચર્ચા વિચારણા બાદ આખરે અટકળનો અંત આવ્યો છે. કોંગ્રેસના પ્રભારી પદ પર છેલ્લા ઘણા સમયથી કેટલાક નામ ચર્ચામાં રહ્યા હતા. અંતે ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે પાડોશી રાજસ્થાનના સિનિયર નેતા અને આરોગ્ય મંત્રી રઘુ શર્માની પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી નજીક આવતા કોંગ્રેસે ગુજરાત રાજ્યની જવાબદારી રઘુ શર્માને સોંપી દીધી છે. આ પહેલા રાજીવ સાતવના અવસાનના કારણે આ પદ ઘણા લાંબા સમય સુધી ખાલી રહ્યું હતું. કોંગ્રેસના મોટાનેતા સોનિયા ગાંધીએ રઘુ શર્માને ગુજરાતના નવા પ્રભારી બનાવ્યા છે. તેઓ મૂળ રાજસ્થાન રાજ્યના અજમેરના રહેવાસી છે. વિદ્યાર્થીકાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા છે. રઘુ શર્મા હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી ગેહલોતના મંત્રીમંડળમાં સિનિયર સભ્ય તરીકે કામ કરી રહ્યા છે.
અગાઉ વર્ષ 2017માં ગુજરાતના પ્રભારી તરીકે અશોક ગેહલોટ ખુદ હતા. હવે તેમના શિષ્ય સમાન રઘુ શર્માને ગુજરાતની મોટી જવાબદારી સોંપી દેવામાં આવી છે. ગુજરાતમાં પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસને ધોબી પછડાટ લાગતા આ નિર્ણય લેવાયો છે. ચૂંટણીમાં પરાજય પછી પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણીએ એકાએક રાજીનામા આપી દીધા હતા. જેના કારણે પદ ખાલી પડ્યું હતું. હજુ સુધી તેમના રાજીનામા સ્વીકારાયા નથી કે તેમના સ્થાને કોઈની નિયુક્તિ થઈ ન હતી. હવે પ્રભારીની નિયુક્તિ થતા જ કોંગ્રેસમાં નવા પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નવા નેતાની નિયુક્તિની પ્રક્રિયા ઝડપી બનશે તેમ માનવામાં આવે છે. ચર્ચા એવી પણ છે કે, કોંગ્રેસ હવે વ્યવસ્થિત રીતે પ્રચાર સ્ટ્રેટજી બનાવશે. જુદા જુદા મુદ્દાઓને લઈને સમગ્ર રાજ્યમાં કોંગ્રેસનું આંતરિક માળખું ઊભું કરવા માટે પ્રયત્નો કરશે. રાજકીય સુત્રોમાંથી એવી પણ વિગત સામે આવી છે કે, કોંગ્રેસ ગ્રામ્ય કક્ષા અને જિલ્લા કક્ષાએ સક્રિય થયા બાદ આગામી ચૂંટણીમાં ભાજપને મોટી ટક્કર આપશે.