ઉત્તરપ્રદેશી યોગી સરકાર ઉચ્ચતર શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્માર્ટફોન અને ટેબલેટ આપવાનો નિર્ણય લીધો છે. પ્રદેશના યુવાનોને ટેક્નોલોજી સશક્તિકરણ માટે યુપી કેબિનેટમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ યોજના પાછળ સરકાર આશરે 3 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ નિર્ણયથી યુપી સરકારે જાણે 2017 પહેલાની સમાજવાદી પાર્ટીનું અનુકરણ કર્યું હોય તેમ લાગે છે.જે વખતે સમાજવાદી સરકારે પણ ચૂંટણીના નજીકના સમયમાં ટેબ્લેટ અને લેપટોપ નિશુલ્ક વિતરણ કરી યુવાનોને આકર્ષવા પ્રયાસ કર્યો હતો હવે ભાજપ સરકાર પણ યુવા મતદારોને રીઝવવા નિશુલ્ક ટેબ્લેટ અને સ્માર્ટફોન આપવા જઈ રહી છે.
સ્માર્ટફોન કે ટેબલેટ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, બીટેક, પોલિટેકનીક, મેડિકલ એજ્યુકેશન, પેરામેડિકલ અને કૌશલ વિકાસ મીશનની ટ્રેનિંગ લેનારા છાત્રોને આપવામાં આવશે. મંગળવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની વચ્ચે ઓનલાઈન વર્ગખંડો શરૂ થતા વિદ્યાર્થીઓને પરેશાનીનો સામનો કરવો પડ્યો છે. તો મોટાભાગની પરીક્ષાઓનું પણ ઓનલાઈન આયોજન કરવામાં આવી રહ્યું છે. તેવામાં યુવાઓને ડિજીટલ સશક્તિકરણને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.