નવી દિલ્હી, સોમવાર
મિસ યૂનિવર્સ 2021માં ભારતને મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. આ સ્પર્ધામાં ભારતની દીકરી હરનાઝ કૌર સંધૂએ 70મી મિસ યૂનિવર્સનો ખિતાબ પોતાના નામે કર્યો છે. સૌથી મોટી વાત એ રહી છે કે ભારતને આ ટાઈટલ 21 વર્ષના લાંબા સમયગાળા બાદ મળ્યું છે.
70મી મિસ યૂનિવર્સની સ્પર્ધા સોમવારે સવારે ઈઝરાયલના ઈલિયટમાં આયોજીત કરાય હતી. આ સ્પર્ધામાં ભારતની હરનાઝ કૌરને પહેલું સ્થાન મળ્યું અને તેને મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ આપવામાં આવ્યો છે. હરનાઝ પહેલા 19945માં સુષ્મિતા સેન અને 2000માં લારા દત્તાને મિસ યૂનિવર્સનો ખિતાબ મળી ચુક્યો છે. હવે ભારતને ત્રીજી વખત આ બહુમાન અપાવવાનું કામ હરનાઝ કૌર સંધૂએ કર્યું છે.
મિસ યૂનિવર્સ 2021માં હરનાઝ કૌર સંધૂ પહેલા સ્થાને, મિસ પરાગ્વે બીજા સ્થાન પર અને મિસ સાઉથ આફ્રિકાને ત્રીજું સ્થાન મળ્યું છે. મહત્વપૂર્ણ છે કે હરનાઝ ચંદીગઢની વતની છે. તે એક શીખ પરિવારમાં જન્મી હતી. હરનાઝ ફિટનેસ અને યોગની કાયલ છે. 2017માં હરનાઝે મિસ ચંદીગઢનો ખિતાબ મેળવ્યો હતો. તેના એક વર્ષ બાદ 2018માં હરનાઝને મિસ મેક્સ ઈમર્જિંગ સ્ટાર ઈન્ડિયા 2018ના તાજથી નવાજવામાં આવી હતી. બે પ્રતિષ્ઠિત ખિતાબ મેળવ્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા 2019માં ભાગ લીધો અને તે ટોપ – 12માં સ્થાન મેળવવામાં કામિયાબ રહી હતી. હરનાઝ મિસ યૂનિવર્સ 2021 કોમ્પિટિશનમાં ભાગ લેતા પહેલા ફિલ્મોમાં પણ પોતાનું સ્થાન પાકું કરી ચુકી છે. તેની પાસે બે પંજાબી ફિલ્મો ‘Bai Ji Kuttange’ અને ‘Yaara Diyan Poo Baran’ છે, જે આગામી વર્ષે રિલિઝ થવાની છે.

