સુરત,રવિવાર
2018ની કોમન વેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસમાં ડબલ અને ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતનાર સુરતના હરમીત દેસાઈએ 2019માં કોમન વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ ક્રિત્વિકા સિન્હા રોય સાથે બંગાળી વિધિથી લગ્ન કર્યા હતા.કોલકત્તામાં 200 મહેમાનોની હાજરીમાં પ્રેમિકા સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ક્રિત્વિકા સિન્હા રોય બંગાળના સીઆઈડી અધિકારી સંદિપ સિન્હા રોયની દીકરી છે. ક્રિત્વિકા સિન્હા રોય ભારતીય વુમન મહિલા ટેબલ ટેનિસ ટીમની જાણીતી ખેલાડી છે. હરમીત જેમ ઓએનજીસીમાં અધિકારી તરીકે ફરજ બજાવે છે તેમ ક્રિત્વિકા ઈન્ડિય ઓઈલ કોર્પોરેશનમાં અધિકારી છે.
કોલકત્તામાં ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈએ બંગાળી વિધિથી ક્રિત્વિકા સિન્હા રોય સાથે લગ્ન કર્યા છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં ગુજરાતી મહેમાનો માટે પંજાબી વાનગીઓ પણ પીરસવામાં આવી હતી. લગ્ન પહેલાં મહેંદી સેરેમની રાખવામાં આવી હતી અને ત્યારબાદ લગ્નના સાત ફેરા લેવાયા હતા. દેહરાદુનમાં ભારતીય ટેબલ ટેનિસ ટીમનો ટૂર્નામેન્ટ કેમ્પ યોજાયો હોવાથી હરમીતના સાથી અન્ય સ્ટાર ખેલાડીઓ શરથ કમલ, અમલ રાજ, સુનિલ શેટ્ટી ઉપસ્થિત રહી શક્યા ન હતા. તેઓ હવે સુરતના રિસેપ્શનમાં હાજરી આપશે. જ્યારે ભારતીય ટેબલ ટેનિસ સ્ટાર ખેલાડી જી. સાન્થીયન પણ હરમીતને શુભેચ્છા પાઠવવા લગ્ન પ્રસંગમાં હાજર રહ્યો હતો. હરમીતના પિતા રાજુ દેસાઈ, માતા, ભાઈ અને ભાભી સહિતનો સંપૂર્ણ પરિવાર લગ્ન સમારોહમાં આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યો હતો. ગ્રાન્ડ રિસેપ્શન સુરતમાં 17 ડિસેમ્બરના રોજ 400 મહાનુભાવોની હાજરીમાં થશે.

