ગાંધીનગર, રવિવાર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં પાટીદાર સમાજને રિઝવવા માટે ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યો છે. પાટીદાર સમાજ નાખુશ ન થાય તે માટે રાતોરાત ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી લાવવામાં આવ્યા હતા અને હવે જ્યારે જ્યારે પણ પાટીદાર સમાજના કાર્યક્રમો હોય છે ત્યારે પાટીદાર સમાજની વિકાસગાથાનું વર્ણન કરાય છે અને પાટીદાર સમાજનો પુરૂષાર્થ યાદ કરવામાં આવે છે. ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષથી ભાજપ સત્તા ભોગવે છે તેમાં પાટીદાર સમાજનો સિંહફાળો છે અને પાટીદાર સમાજ ખોબલે ખોબલે મત આપીને દરેક વખતે ભાજપની પડખે રહ્યો છે.
જાે કે, પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપની સરકારે જે રીતે અત્યાચાર આચર્યો હતો એ પછી પાટીદાર સમાજ વિમુખ થયો હતો. તાજેતરમાં જ અમદાવાદમાં યોજાયેલા પાટીદાર સમાજના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાટીદાર સમાજના પુરૂષાર્થને યાદ કર્યો ત્યારે લોકોમાં ચર્ચા ચાલી હતી કે, ભાજપ સરકારનું ઓક્સિજન લેવલ ડાઉન થઈ રહ્યું છે એટલે હવે પાટીદાર સમાજનો પુરૂષાર્થ યાદ આવી રહ્યો છે. પાટીદાર સમાજ પરંપરાગત વર્ષોથી પ્રગતિ કરતો આવ્યો છે અને તે કોઈ અવગણી શકે નહી પણ હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતના પાટીદાર સમાજને રિઝવવાની જવાબદારી અમિત શાહને સોંપાઈ હોય તેવા તેમના વારંવારના નિવેદનો પરથી લાગી રહ્યું છે.
ગુજરાતમાં 2015થી શરૂ થયેલા અનામત આંદોલન બાદ પાટીદાર સમાજના ૧૪ જવાનો શહીદ થયા હતા અને પાટીદારો સામે 485 પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી અને તેમાંથી ૨૨૮ પોલીસ કેસ પાછા ખેંચવામાં આવ્યા હતા. હજુ પણ 228 પોલીસ કેસ એવા છે જે પાછા ખેંચાતા નથી જેને લઈ વારંવાર પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓના આગેવાનો સરકારમા રજૂઆત કરી રહ્યા છે. ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ પરિપ્રેક્ષ્યમાં ભાજપની સરકાર ઝડપથી કેસ પાછા ખેંચી શકે છે. પાટીદાર અનામતમ આંદોલનમાં પોલીસે જે રીતે પાટીદાર સમાજ ઉપર લાઠીઓ વરસાવી હતી એ કોઈ પાટીદાર ભૂલ્યો નથી. પાટીદાર સમાજના કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપી રહ્યા છે. ક્યારેક વડા પ્રધાન મોદી પણ વચ્ર્યુઅલી હાજરી આપી રહ્યા છે અને એક રીતે પાટીદાર સમાજમાં હજુ પણ કોઈ નારાજગી છે તે દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પાટીદાર મુખ્યમંત્રી આવ્યા બાદ ભાજપને હજુ પણ ઊંડે ઊંડે લાગી રહ્યું છે કે, પાટીદાર સમાજમાં ક્યાંકને ક્યાંક નારાજગીનો સૂર છે. 2017માં જ્યાં ભાજપને 100 બેઠક મેળવવાના ફાંફા પડી ગયા હતા ત્યારે 2022માં પાટીદાર સમાજ એકજૂથ થઈને સાથે રહે તો જ ૧૫૦ બેઠકોનો લક્ષ્યાંક હાંસિલ કરી શકાય છે.
પાટીદાર સમાજને રિઝવવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને તેનું કામ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને સોંપાયું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે. ગુજરાતમાં પાટીદાર સમાજની ૧૪ ટકા વસતિને ભાજપ ક્યારેય નજર અંદાજ કરી શકે તેમ નથી. 2017માં પાટીદાર અનામત આંદોલન વખતે પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ ચાર મહાપાલિકા વિસ્તારની ૫૫માંથી 44 બેઠકો જીતવામાં સફળતા મળી હતી. 2022માં પાટીદાર સમાજને સાથે લીધા વિના ભાજપ સત્તામાં આવવાનું વિચારી પણ શકે નહી. ભાજપમા નેતૃત્વ પરિવર્તન કર્યા પછી પણ પાટીદારોના મૂડને પારખવાની કોશિશ થઈ રહી છે અને હજુ અંદરખાને ભાજપને એવો ડર સતાવી રહ્યો છે કે, પાટીદાર સમાજમાં પોલીસ કેસ પાછા ખેંચાતા નહી ક્યાંકને ક્યાંક નારાજગી જાેવા મળી રહી છે. ભાજપના નેતાઓને પણ એવું લાગી રહ્યુ છે કે, ઓક્સિજન લેવલ ડાઉન થઈ રહ્યું છે અને ઓક્સિજન લેવલ અપ કરવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

