ઈસરોએ ઓપ્પો ઈન્ડિયા સાથે એક સમજૂતી કરી છે. મહત્વપૂર્ણ છે કે ઓપ્પો ઈન્ડિયા ચીનની દિગ્ગજ કંપની ઓપ્પોનું ભારતીય એકમ છે. ઈસરો સાથે ચીનની દિગ્ગજ કંપનીની ડીલે સૌને ચોંકાવી દીધા છે. ઘણાં રાજનેતા આ ડીલને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે, તો સોશયલ મીડિયા પર પણ આ સમજૂતીને લઈને ઘણાં પ્રકારની વાતો થઈ રહી છે. મહત્વપૂર્ણ છે કે પૂર્વ લડાખમાં હાલ સીમા પર ચીન સાથે ગતિરોધની સ્થિતિ છે અને ગલવાનના ઘર્ષણ બાદ કેન્દ્ર સરકારે ટિકટોક સહીતના ઘણાં ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તેમ છતાં એક ચીની કંપની સાથે ભારતની સર્વોચ્ચ અંતરિક્ષ સંસ્થા ઈસરોની ડીલે સૌને ચોંકાવી દીધા છે.
શિવસેનાના નેતા અને રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ ટ્વિટ કરીને કહ્યું છે કે આનાથી હું ઘણી અચંભિત છું. એક તરફ દેશ તરીકે આપણે સીમા પર તેમની સામે લડી રહ્યા છીએ. આપણે ભારતીય બજારોમાં તેમની ચમકને ઘટાડવા માંગીએ છીએ. તેમ છતાં તેને ભારતના મજબૂત હિસ્સા અને રાષ્ટ્રીય સુરક્ષા આ ખતરાથી અજાણ છીએ. કોંગ્રેસના પ્રવક્તા ડૉ. શમા મોહમ્મદે પણ આને ચકિત કરનારું ગણાવ્યું છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું છે કે એક તરફ ચીન ગેરકાયદેસર રીતે આપણી જમીન પર કબજો કરી રહ્યું છે અને બીજી તરફ ઈસરો ચીનની મોબાઈલ બનાવનારી કંપની ઓપ્પો સાથે સમજૂતી કરી રહ્યું છે.
સોશયલ મીડિયા પર ઘણાં લોકો આ ડીલને અચંભિત કરનારી અને મોટી ભૂલ ગણાવી રહ્યા છે. જો કે હાલ આ ડીલને લઈને ઈસરોની કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઓપ્પો ઈન્ડિયાએ શુક્રવારે ટ્વિટર પર આ ડીલનું એલાન કર્યું. ઓપ્પો ઈન્ડિયા તરફથી કહેવામાં આવ્યું કે આત્મનિર્ભર ભારતના વિચારને ટેકો આપતા ઓપ્પો ઈન્ડિયાએ ઈસરો સાથે ડીલ કરી છે. આ ભાગીદારી હેઠળ નાવિક મેસેજિંગ સર્વિસના રિસર્ચ અને ડેવલોપમેન્ટને મજબૂત કરવાનું કામ કરાશે.
મહત્વપૂર્ણ છે કે નાવિક સિસ્ટમ ઈસરો દ્વારા વિકસિત કરવામાં આવેલી એક એવી સિસ્ટમ છે કે જે પ્રાદેશિક નેવિગેશન સર્વિસ ઉપલબ્ધ કરાવે છે અને તેના હેઠળ ભારતીય ભૂમિ અને તેની બહાર લગભગ 1500 કિલોમીટર સુધીના વિસ્તારને કવર કરવામાં આવ્યો છે. તેના સિવાય તેનું મુખ્ય કાર્ય પોઝિટન, નેવિગેશન અને ટાઈમિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનું છે. નાવિક દ્વારા શોર્ટ મેસેજોનું બ્રોડકાસ્ટ કરી શકાય છે.


