રાજસ્થાનના ભીલવાડામાં માનવતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. 15 દિવસના માસૂમ બાળકને જંગલમાં ફેંકી દેવામાં આવ્યું. રડવાનો અવાજ ના આવે એ માટે તેના મોંમાં પથ્થર ભરીને ફેવિક્વિકથી ચીપકાવી દીધું. જ્યારે પશુપાલકે બાળકને જોયું ત્યારે તેના હોશ ઊડી ગયા.
બાળકના મોંમાંથી પથ્થર કાઢતાંની સાથે જ તે રડવા લાગ્યું. લોકોએ તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડ્યું, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. આ ઘટના મંગળવારે બપોરે 2 વાગ્યાની આસપાસ માંડલગઢમાં બની હતી. હેડ કોન્સ્ટેબલ વિજય સિંહે જણાવ્યું હતું કે, બિજોલિયામાં સીતા કા કુંડ મંદિરની સામે રસ્તાને અડીને આવેલા જંગલમાં એક બાળક મળ્યું. પશુઓની સંભાળ રાખતો એક યુવાન પથ્થરોના ઢગલા પાસે પહોંચ્યો અને બાળકને પીડાથી કણસતો જોયું. તેના મોંમાં એક પથ્થર હતો. તેણે બીજા લોકોને બોલાવ્યા. તેમણે તેના મોંમાંથી પથ્થર કાઢ્યો અને બાળકને બિજોલિયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો.
પોલીસે જણાવ્યું હતું કે, બાળકને ત્યાં કોણ છોડી ગયું? એની જાણકારી એકઠી કરવા માટે ગ્રામજનો અને નજીકના રહેવાસીઓની હાલમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. માંડલગઢ અને બિજોલિયાની હોસ્પિટલોમાં તાજેતરમાં થયેલી પ્રસૂતિઓ વિશે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

