કચ્છના કડવા પાટીદાર સમુદાય સતપંથ તથા સનાતનના પ્રશ્ને છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલા સાંપ્રદાયિક વિવાદમાં એક નવો વળાંક સામે આવ્યો છે. ઉમિયા માતા સંસ્થાન ઊઝા તરફથી અમદાવાદમાં આજે ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ શરૂ થયો છે. પણ સતપંથીઓને જોડવાના મામલે આકરૂ વલણ અપનાવતા કચ્છના કડવા પાટીદારની કેન્દ્રીય સંસ્થા સમાન અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજે આ શિલાન્યાસ ઉત્સવથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે.
જેના કારણે વિષય હાલ ચર્ચાનો વિષય બની રહ્યો છે. સમગ્ર પાટીદાર સમાજમાં પણ ચકચાર મચી ગઈ છે. તા.8થી 12 દરમિયાન ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ સામે કચ્છના કડવા પાટીદારોએ વિરોધ નોંધાવ્યો છે. શેષ બચેલા મુઠ્ઠીભર પીરપંથીઓને ખુશ કરવા માટે કચ્છના કડવા પાટીદાર સમાજ ઘણા બધા સનાતની સભ્યોને ઊંઝા સંસ્થાએ નિરાશ કર્યાનો ખુલ્લો આક્ષેપ સામે આવેલા એક પત્રમાં કરવામાં આવ્યો છે. આ પહેલા ઊંઝામાં યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞ સમયે પણ સંસ્થા તરફથી છેલ્લી ઘડીએ આવો જ એક વ્યવહાર કરવામાં આવતા કડવા પાટીદારો રોષે ભરાયા હતા.
ત્યારથી કેટલાક આગેવાનો નારાજ થયા છે. કચ્છના વાંઢાયમાં આવેલું ઉમિયા માતાનું મંદિર કચ્છના કડવા પાટીદારના કુળદેવીનું મુખ્યધામ છે. આ સંસ્થાના પ્રમુખ હંસરાજભાઈ ધોળુંનું નામ ઊંઝાની આમંત્રણ પત્રિકામાં છે. કેન્દ્રીય સમાજના વલણથી વિપરિત થઈ મહોત્સવમાં જાય છે. આ મામલે પાટીદાર સમાજમાં મોટી ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે, હંસરાજભાઈ ધોળુંનો કોઈ રીતે સંપર્ક ન થઈ શકતા એમના કોઈ ખાસ મત સામે આવ્યો નથી. કચ્છના કડવા પાટીદારમાં એખલા રહે અને સાંપ્રદાયિક કોઈ માથાકુટ ન થાય એ માટે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાએ સતપંથ સનાતન વિવાદના ઉકેલ માટે એક લવાદ કમિટીનું ગઠન કર્યું છે.
આ સમિતીએ તા.8.10.2017 દરમિયાન એક ચૂકાદો આપીને સતપંથીઓને વ્યવહારમાંથી ઈસ્લામિક છાંટવાળી બાબત દૂર કરી દેવા માટે આદેશ આપ્યો હતો. પણ સતપંથીઓ આ બાબતનું કોઈ પાલન કરવા હોવાની ફરિયાદ ઊઠી હતી. અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ પણ સતત મોટી ફરિયાદ કરતો રહ્યો છે. પણ આ એક સાંપ્રદાયિક વિવાદ છે. જે યથાવત હોવાનું મનાય રહ્યું છે. પણ શિલાન્યાસ પ્રસંગે એક પ્રાંતના પાટીદાર નારાજ રહેતા ફરી કોઈ મોટી સામાજિક ઉથલપાથલના એંધાણ વર્તાય રહ્યા છે.

