ગુજરાતમાં દરિયો ખેડવા જતા માછીમારોને માછીમારી કરવા માટે આપવામાં આવતી પરમીટ ઓનલાઇન કરી થઈ જશે એટલે પછી તેમણે કચેરીના ધક્કા ખાવા પડશે નહી. ઓનલાઇન સોફટવેર તૈયાર થતાની સાથે જ હાલ માછીમારોને આપવામાં
આવેલી ચોપડીમાં અપાતી મેન્યુઅલ પરમીટની પ્રથા બંધ થઇ જશે અને ચોપડી પ્રથા બંધ કરી દેવામાં આવશે. દરિયા કિનારે વસેલા પોરબંદર, દ્વારકા, ઓખા સહિતના સ્થળોએ માછીમારોએ હજારોની સંખ્યામાં બોટો વસાવી છે. આવી દરેક બોટમાં અનેક માછીમારો દરરોજ દરિયા ખુંદવા નીકળી પડે છે અને માછીમારી કરીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે. ગુજરાતના દરિયા કિનારાની સરહદ પાકિસ્તાનને અડીને આવેલી હોવાથી ગુજરાતના દરિયા પર કોસ્ટગાર્ડ અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતી નજર રહે છે, જેના ભાગ સ્વરૂપે અને દરિયામાં ગયેલા ભારતીય માછીમારોની ઓળખ માટે તેમને માછીમા૨ી કરવાની પરમીટ આપવામાં આવે છે. આ પરમીટમાં માછીમાર કયાંનો વતની છે ? બોટ કયાંની છે ? બોટમાં કુલ કેટલા માછીમાર છે ? માછીમાર દરિયામાં કયારે જશે ? કયારે આવશે ? તેમજ દરિયામાં કયાં સુધી માછીમારી કરશે ? તેવી તમામ વિગતો દર્શાવવામાં આવેલી હોય છે.
અત્યાર સુધી માછીમારોએ ફીશરીઝ વિભાગની કચેરીએ રૂબરૂ જઈ પરમીટ માટે આપવામાં આવેલી ચોપડીમાં સિક્કા મરાવી પરમીટ લેવી પડતી હતી, જેને માછીમા૨ીનું ટોકન તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ હવે ફીશરીઝ વિભાગ દ્વારા ટોકન આપવાની પદ્ધતિને ઓનલાઇન કરવામાં આવી રહી છે, જેના માટે એક ખાસ સોફટવેર પણ બનાવી દેવામાં આવ્યો છે અને હાલ પ્રાયોગિક ધોરણે તેના પર કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂરી થયા બાદ તમામ માછીમારોને કચેરીએ ધક્કા ખાઇને ટોકન લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળી જશે અને માછીમારો ઘરે બેઠા જ માછીમારી કરવા માટેનો ઓનલાઇન ટોકન મેળવી શકશે. (તસવીર પ્રતિકાત્મક છે)

