નવી દિલ્હી, ગુરુવાર
તમિલનાડુના કુન્નૂરમાં થયેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત સહીત 13 લોકોના મોત નીપજ્યા છે. આ દુર્ઘટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં હેલિકોપ્ટર હવામાં ઉડતું દેખાય રહ્યું છે. આ વીડિયોને એક પર્યટકે બનાવ્યો છે. પરંતુ આ વીડિયોની પુષ્ટિ વીયૂ નેટવર્ક કરી રહ્યું નથી.
ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો સીડીએસ જનરલ બિપિન રાવતના તે એમઆઈ-17 હેલિકોપ્ટરનો છે કે જે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. આ વીડિયો એક પર્યટકે બનાવ્યાનો દાવો કરાયો છે. હેલિકોપ્ટર ગાઢ ધુમ્મસ વચ્ચે દેખાય રહ્યું છે. જણાવવામાં આવે છે કે આ વીડિયો દુર્ઘટનાની થોડીક સેકન્ડો પહેલાનો છે.
આ વચ્ચે નિદેશક શ્રીનિવાસનના નેતૃત્વમાં તમિલનાડુ ફોરેન્સિક સાયન્સ ડિપાર્ટમેન્ટની એક ટીમ કુન્નૂરમાં કેટરી પાસે દુર્ઘટનાસ્થળે પહોંચી છે. ત્યાં પહેલેથી હાજર વાયુસેનાની ટીમે હેલિકોપ્ટરનું બ્લેકબોક્સ જપ્ત કર્યું છે. આ બ્લેક બોક્સ દ્વારા હવે જાણકારી મળી શકશે કે આખરી સમયે શું થયું હતું.
કોઈપણ પ્લેન અથવા હેલિકોપ્ટરનો સૌથી જરૂરી હિસ્સો બ્લેક બોક્સ હોય છે. આ હેલિકોપ્ટર અથવા પ્લેનના ઉડ્ડયન દરમિયાન તેની સાથે જોડાયેલી તમામ પ્રકારની ગતિવિધિઓને રેકોર્ડ કરે છે. આ પાયલટ અને એટીસી વચ્ચે વાતચીતનો રેકોર્ડ એકઠો કરે છે. આ સિવાય પાયલટ અને કો-પાયલટની વાતચીત પણ રેકોર્ડ થાય છે. તેને ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે.
સીડીએસ જનરલ બિપિન રાવત પોતાની પત્ની મધુલિકા રાવત અને સેનાના ઘણાં મોટા અધિકારીઓની ટીમ સાથે બુધવારે બપોરે 11.30 કલાકે વીવીઆઈપી ચોપર MI-17 V-5માં સુલૂરથી કુન્નૂર માટે નીકળ્યા હતા. તેમને કુન્નૂરની ડિફેન્સ સર્વિસિસ સ્ટાફ કોલેજમાં લેક્ચર આપવાનું હતું. હેલિકોપ્ટરે સંપૂર્ણપણે સુરક્ષિત ઉડાણ ભરી હતી.
સીડીએસ જનરલ બિપિન રાવતનું હેલિકોપ્ટર લગભગ 50 મિનિટનો પ્રવાસ પુરો કરી ચુક્યું હતું. સુલૂરથી લગભગ 94 કિલોમીટરની હવાઈ યાત્રા પૂર્ણ થઈ ચુકી હતી. હવે માત્ર 10થી 15 કિલોમીટરનું જ અંતર બાકી હતું. તે પ્રવાસના આખરી તબક્કામાં હતું. અચાનક હેલિકોપ્ટર હાલક-ડોલક થવા લાગ્યું. પાયલટે સંતુલન ગુમાવ્યું અને ગણતરીની મિનિટોમાં હેલિકોપ્ટર આગના ગોળામાં ફેરવાયું હતું.

