અમદાવાદ/જામનગર, રવિવાર
સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી ગત તા. 28 નવેમ્બરના રોજ જામનગર આવેલા વૃદ્ધને તા.29 નવેમ્બરના રોજ શરદી, ઉધરસના લક્ષણો હોવાથી પ્રાઇવેટ લેબોરેટરીમાં કોરોના અંગેનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ હોવાનું ખૂલ્યું હતુ. આથી તેમણે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને એ રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આ વૃદ્ધને તરત જ ડેન્ટલ હોસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરી દેવામાં આવ્યા હતા.
આ દર્દીને સેમ્પલ પૂણે મોકલાવાયા હતા, જેનો શનિવારે પોઝિટિવ રીપોર્ટ આવતા આરોગ્ય વિભાગની ચિંતા બેવડાઈ ગઈ હતી. દરમિયાનમાં, આ વૃદ્ધે સાઉથ આફ્રિકાના ઝિમ્બાબ્વેમાં ચાઇનીઝ રસી સાઈકોનિક્સ’ના બંને ડોઝ લઈ લીધા હોવાનું પણ ખૂલવા પામ્યું છે. ચાઈનીઝ રસીના બંને ડોઝ લેવા છતા આ વૃદ્ધ કોરોનાના ભરડામાં આવી ગયા હતા. એટલું જ નહીં, કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો પણ ભોગ બન્યા હતા. આ દર્દી આફ્રિકન દેશમાંથી આવેલ હોવાથી જામનગર મહાનગરપાલિકા દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા તમામને યુદ્ધના ધોરણે ટ્રેસ કરવામાં આવ્યા હતા.
હાલ દર્દી ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત છે કે નહીં ? તે માટે દર્દીના સેમ્પલ પુણે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી સેન્ટરમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે. ઓમિક્રોનના દર્દી વૃદ્ધ ચાઈનીઝ રસી લઈને સંક્રમિત બન્યા હતા પણ, એમના સીધા સંપર્કમાં આવેલા જામનગરના 10 વ્યક્તિઓના અગમચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટ કરાવાયા હતા, જે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આ દસેદસ નાગરિકોએ ભારતીય રસી લીધી હતી.

