થોડા સમય પહેલા રાજકોટની મુલાકાતે આવેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ભલે દાવા સાથે કહીને ગયા હોય કે, રાજકોટ ભાજપમાં કોઈ જૂથવાદ નથી. પણ સમયાંતરે આવી ઘટનાઓ સામે આવે છે જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. પછી ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રીપદ દેવામાં આવ્યું છે. પૂર્વ અને પશ્ચિમ સામસામી દિશમાં ચાલતા બે જુથ વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
રાજકોટ મહાનગર પાલિકા તરફથી યોજાયેલા બે કાર્યક્રમોમાં ભાજપના રૂપાણી જુથની હાજરીના કાર્યક્રમમાં મંત્રી રૈયાણીની બાદબાકી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેના પડઘા રાજકોટની રાજકીય લોબીમાં પડ્યા છે. વોર્ડ નં.9માં ચાર મહિનાથી કાર્યરત કોમ્યુનિટી હોલના નામકરણ પ્રસંગ તાત્કાલિક ઘડી દેવામાં આવ્યો હતો. જેમાં કોર્પોરેન કમિશનર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન અને સમાજ કલ્યાણના ચેરમેન તરફથી આપવામાં આવેલા નિમંત્રણ કાર્ડમાં પૂર્વ મુખ્યમંત્રી સહિત અન્ય ત્રણ ધારાસભ્યોના લખાયા હતા. જેઓ અહીં હાજર પણ રહ્યા હતા.
જ્યારે ધારાસભ્ય અને મંત્રીનું નામ મનપાએ કટ કરી દેતા શિયાળું માહોલમાં રાજકીય ગરમાવો આવ્યો છે. રાજકોટમાં રૈયા રોડ પર આવેલા એક ઓડિટોરિયમમાં મહાનગર પાલિકા તરફથી એઈડ્સ દિવસ નિમિતે થયેલી રેલી તથા એવોર્ડ વિતરણમાં પણ બંને સાંસદ તથા ગોવિંદ પટેલ તથા લાખા સાગઠિયા ધારાસભ્યના નામ પ્રેરણાદાયી વિશેષ વ્યક્તિત્વ તરીકે લખાયા. પણ રાજકોટના જ ધારાસભ્ય તથા મંત્રીના નામનો કોઈ ઉલ્લેખ ન હતો. આ પહેલા સી.આર. પાટીલના આગમન વખતે પણ ત્રણ ધારાસભ્યોના નામ લખાયા હતા. પણ બેનરમાં નામ લખવાનું ટાળવામાં આવ્યું. જોકે, આ ઘટનાના પડઘા છેક ગાંધીનગર કમલમ સુધી પડ્યા હોવાનું રાજકીય સુત્રો જણાવે છે.

જ્યારે પાટીલ રાજકોટની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમણે ભાજપના મોટા નેતા વજુભાઈ વાળાને ખાસ મળવા માટે પહોંચ્યા હતા. એ સમયે પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, રાજકોટમાં કોઈ જુથવાદ નથી. પણ આ પહેલા કાર્યાલયમાં નામને લઈને બોર્ડ બદલાવવું પડે એવી સ્થિતિ સામે આવી હતી. મુખ્યમંત્રી બદલાયા હોવા છતાં નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલું નામ બદલાયું ન હતું.

