વડોદરા જિલ્લાના જરોદ પોલીસ સ્ટેશનની હદમાં ગુજરાત ATS દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જરોદ બસ સ્ટેશન નજીક ATSની ટીમે એક ચાલતી કારમાંથી અત્યાધુનિક હથિયારોનો જથ્થો ઝડપી પાડ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝડપાયેલા હથિયારોમાં ખતરનાક AK-47 રાઇફલનો પણ સમાવેશ થાય છે.
આ ઓપરેશન દરમિયાન ATSએ એક શંકાસ્પદ વ્યક્તિને અટકાયતમાં લીધો છે. પ્રાથમિક તપાસમાં આ વ્યક્તિનું કનેક્શન આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે હોવાની માહિતી સામે આવી છે. આરોપી મૂળ આસામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. તેની પાસેથી AK-47 ઉપરાંત 23 જીવતા કારતૂસ પણ મળી આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
હાલ ગુજરાત ATS દ્વારા આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ હથિયારો તેને ક્યાંથી મળ્યાં હતાં, ગુજરાતમાં કોને પહોંચાડવાના હતા અને આ સમગ્ર મામલા પાછળ અન્ય કોઈ વ્યક્તિઓ કે નેટવર્ક સંકળાયેલાં છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. તપાસ પૂર્ણ થયા બાદ આ મામલે વધુ વિગતો સામે આવી શકે છે.
