મોરબી તાલુકાના કેરાળી ગામે ખેતીની જમીનના કબજાને લઈને વિવાદ વકર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જમીન પચાવી પાડવાના ઇરાદે બે શખ્સોએ ખેતરમાં ઘૂસી પરિવારજનો સાથે ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, લાકડાના ધોકા બતાવી અન્ય દસેક શખ્સોને બોલાવી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી-2ની આશાપાર્ક સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ મહેન્દ્રસિંહ રાઠોડ (ઉ.વ. 33)ના પિતાએ ગત તા. 07 એપ્રિલ 2026ના રોજ કેરાળી ગામના સર્વે નંબર 9વાળી ખેતીની જમીન બીજલભાઈ હમીરભાઈ ગમારા પાસેથી ખરીદી હતી.
દરમિયાન, ગત તા. 23 નવેમ્બર 2026ના રોજ બપોરે 2થી 2:30 વાગ્યાના અરસામાં ભગીરથસિંહ પોતાના પિતા, નાના ભાઈ સત્યજીતસિંહ અને બાળકો સાથે જમીનની તપાસ કરવા ખેતરે ગયા હતા. તે સમયે કેરાળી ગામના અરજણભાઈ લક્ષમણભાઈ ચાવડીયા અને નવઘણભાઈ રાજુભાઈ ચાવડીયા મોટરસાયકલ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. બંને શખ્સોએ ભગીરથસિંહના પત્નીને અપશબ્દો કહી જમીન ખાલી કરી દેવા દબાણ કર્યું હતું.
આ દરમિયાન દેકારો થતાં પરિવારના બંને ભાઈઓ દોડી આવ્યા હતા અને જમીન ખરીદીના સાત-બારના કાગળો બતાવ્યા હતા. તેમ છતાં આરોપીઓએ કાગળો હોવા છતાં જમીન પચાવી પાડવાની ધમકી આપી હતી. બંને શખ્સોએ લાકડાના ધોકા બતાવી ગાળો ભાંડી હતી અને ફોન કરીને લાકડી-ધોકા જેવા હથિયારો સાથે અન્ય દસેક અજાણ્યા શખ્સોને પણ બોલાવ્યા હતા. ત્યારબાદ ખેતરની બહાર નીકળશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે.
આ ઘટનાથી ભયભીત બનેલા પરિવારે તાત્કાલિક 112 હેલ્પલાઈન પર જાણ કરી હતી. જેથી પોલીસની ગાડી સ્થળ પર પહોંચતા જ તમામ શખ્સો ત્યાંથી નાસી છૂટ્યા હતા. આ મામલે ભગીરથસિંહ રાઠોડે તા. 24 નવેમ્બર 2026ના રોજ અરજણભાઈ ચાવડીયા અને નવઘણભાઈ ચાવડીયા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 329(3), 351(3), 352, 54 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
