HomeGujaratમોરબીમાં ફેસબુક રીલ જોઈ ડ્રેસનો ઓર્ડર આપવો પડ્યો મોંઘો, ડિલિવરી અને રિફંડના...

મોરબીમાં ફેસબુક રીલ જોઈ ડ્રેસનો ઓર્ડર આપવો પડ્યો મોંઘો, ડિલિવરી અને રિફંડના બહાને વેપારી સાથે રૂ. 4 લાખની છેતરપિંડી

મોરબી શહેરમાં ઓનલાઈન ખરીદીના નામે છેતરપિંડીનો વધુ એક બનાવ સામે આવ્યો છે. ફેસબુક પર સસ્તા ભાવે ડ્રેસ અને સાડી આપવાની જાહેરાત જોઈ ઓર્ડર કરનાર વેપારી સાથે ડિલિવરી અને રિફંડના બહાને કુલ રૂ. 4,00,543ની ઓનલાઈન છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, મોરબીની હરિગુણ રેસીડેન્સીમાં રહેતા અને સિરામિક ટાઈલ્સ ટ્રેડિંગનો વ્યવસાય કરતા 30 વર્ષીય પાર્થભાઈ નરોતમભાઈ જાકાસણીયાએ સગુન ફેશન સુરતના નામે સંપર્ક કરનારા મોબાઈલ નંબર ધારકો તેમજ સંબંધિત બેંક ખાતાધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પાર્થભાઈની પત્ની જલ્પાબેનના ફેસબુક આઈડી ‘DALSANIYA JALPA’ પર સગુન ફેશન સુરતની એક રીલ જોવા મળી હતી. જેમાં સસ્તા ભાવે ડ્રેસ અને સાડીઓ મળી શકશે તેવી લાલચ આપી ઓર્ડર માટે લિંક પર ક્લિક કરવાનું જણાવાયું હતું. આ લિંક પર ક્લિક કર્યા બાદ તેમના મોબાઈલમાં વોટ્સએપ મારફતે સંપર્ક કરવામાં આવ્યો હતો અને ડ્રેસ તથા સાડીઓના ફોટા મોકલી ખરીદી અંગે વાતચીત શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન આરોપીઓએ સગુન ફેશન સુરતના નામે વિશ્વાસમાં લઈ ત્રણ ડ્રેસના ઓર્ડર બુક કર્યા હતા. જોકે, ઓર્ડર આપ્યા બાદ ડ્રેસની ડિલિવરી કરવામાં આવી નહોતી. ત્યારબાદ અલગ-અલગ બહાનાં કાઢી રિફંડ અને અન્ય પ્રક્રિયાના નામે ફરિયાદી તથા તેમના સાથીદારના બેંક ખાતામાંથી નાણાં પડાવવામાં આવ્યા હતા. આરોપીઓએ UPI, Google Pay તેમજ નેટ બેન્કિંગ મારફતે IMPS ટ્રાન્ઝેક્શન કરાવી કુલ રૂ. 4,00,543ની રકમ ઓનલાઈન મેળવી લીધી હતી. આમ, ઓર્ડર કરેલા ડ્રેસની ડિલિવરી પણ ન આપી અને પૈસા પણ પરત ન કરી છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ બનાવ અંગે પાર્થભાઈ જાકાસણીયાએ મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સગુન ફેશન સુરતના નામે સંપર્ક કરનારા શખ્સો અને સંબંધિત બેંક ખાતાધારકો સામે વધુ તપાસ તથા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW