મોરબી: સંત સિરોમણી જલારામ બાપાની આગામી 17 નવેમ્બરના રોજ 227 મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ ધામ દ્વારા તા. 16ના રોજ સોમવાર કારતક સુદ સાતમના રોજ જલારામબાપાની 227 મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે 06 કલાકે પ્રભાતધૂન, 10 કલાકે અન્નકુટ દર્શન, બપોરે 11 :30 કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે 12 કલાકે મહાઆરતી, 12:30 કલાકે મહાપ્રસાદ સહીતના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.
મોરબી જલારામ ધામ દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામાં આવે છે. આ વર્ષે પણ સમાજના આવા જ વિશેષ વ્યક્તિઓને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવામાં આવશે. પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો, ત્રીજા વર્ષે અંધજનો, ચોથા વર્ષે ભિક્ષુકો, પાંચમા વર્ષે શહીદ પરિવાર, છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમના વડીલો, સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ, આઠમા વર્ષે કીન્નરો, નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ, અગીયારમા વર્ષે ફાયર બ્રિગેડના જવાનો, બારમા વર્ષે હોટેલ માં કામ કરતી પરપ્રાંતિય વેઈટ્રેસ દ્રારા, તેરમા વર્ષે પીજીવીસીએલ ના વાયરમેન, ચૌદમા વર્ષે એસ.ટી. વિભાગ ના મહિલા કંડકટર, ગત્ વર્ષે મહિલા નર્સિંગ સ્ટાફના વરદ્ હસ્તે કેક કટીંગ કરવામાં આવ્યુ હતુ.
આમંત્રિત વિશેષ વ્યક્તિઓનું નામ સરપ્રાઈઝ રાખવામા આવેલ છે જે જલારામ જયંતિના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમ મા સર્વે જલારામ ભક્તો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.


