HomeGujaratદિવાળી પૂર્વે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાનું મેગા ચેકિંગ: 95 પેઢીઓમાં તપાસ, 15...

દિવાળી પૂર્વે મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખાનું મેગા ચેકિંગ: 95 પેઢીઓમાં તપાસ, 15 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા શહેરભરમાં ખાદ્ય પદાર્થોના વેચાણ કરતા વેપારીઓ અને પેઢીઓમાં સઘન તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દરમિયાન શહેરની અંદાજે 95 પેઢીઓમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસમાં નિયમોનું પાલન ન કરતી પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યારે અખાદ્ય અને વાસી ખોરાકનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

ફૂડ શાખા દ્વારા રવાપર રોડ, શનાળા રોડ, રવાપર ચોકડી, શનાળા, ઉમિયા સર્કલ, GIDC, કન્યા છાત્રાલય રોડ, જૂના બસ સ્ટેન્ડ રોડ, નગર દરવાજા, સામાકાંઠા, મહારાણા પ્રતાપ સર્કલ, પંચાસર રોડ અને ડી-માર્ટ રોડ સહિતના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

લાઇસન્સ વગરની 8 પેઢીઓને નોટિસ

તપાસ દરમિયાન કુલ 95 પેઢીઓમાંથી 8 પેઢીઓ પાસે જરૂરી લાઇસન્સ ન હોવાનું સામે આવતા સંબંધિત વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય તે માટે જરૂરી સૂચનાઓ સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.

15 કિલો અખાદ્ય ખોરાકનો નાશ, બળેલું તેલ પણ જપ્ત કરાવ્યું

તપાસ દરમિયાન અંદાજે 15 કિલો જેટલા અખાદ્ય ખોરાકનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 20 પેઢીઓમાં TPC મશીનની મદદથી વપરાતા તેલની ગુણવત્તા તપાસવામાં આવી હતી. જેમાં ડી-માર્ટ રોડ પર આવેલી પિઝા પાઇ અને શનાળા રોડ પર આવેલી બર્ગર મોલમાં તેલનો TPC રિપોર્ટ 25થી વધુ આવતા અંદાજે 7 કિલો બળેલા તેલનો નાશ કરાવી બંને પેઢીઓને નોટિસ ફટકારવામાં આવી હતી.

પાંચ RO વોટર પ્લાન્ટના રિપોર્ટ યોગ્ય

પંચાસર રોડ અને સામાકાંઠા વિસ્તારમાં આવેલા પાંચ RO વોટર પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જય અંબે વોટર, પવિત્ર વોટર, સ્પીડ વોટર, શ્રી ગણેશ વોટર અને શિવ ગંગા વોટરના તમામ પાંચ સેમ્પલના ચકાસણી રિપોર્ટ યોગ્ય આવ્યા હતા. જેના આધારે આ પેઢીઓનું પાણી પીવાલાયક હોવાનું સામે આવ્યું હતું.

વાસી અને એક્સપાયરી ડેટના ખાદ્ય પદાર્થોનો નાશ

રવાપર રોડ પર આવેલી ગુરુજી ફાસ્ટ ફૂડમાં તપાસ દરમિયાન એનાલોગ ચીઝ અને વાસી મંચુરિયન ગ્રેવી મળી આવતા તેનો નાશ કરાવી નોટિસ આપવામાં આવી હતી. ડી-માર્ટ રોડ પર આવેલી પિઝા પાઇમાંથી આશરે 300 ગ્રામ વાસી પાસ્તા તેમજ ધ લવ ઓફ વફલમાંથી એક્સપાયરી ડેટના આશરે 500 ગ્રામ ચોકો ચિપ્સનો નાશ કરવામાં આવ્યો હતો.

તે ઉપરાંત અવધ સ્વીટમાંથી એક્સપાયરી ડેટવાળા ચવાણા અને ચોરાફળીના પેકેટો મળી આવતા તેનો પણ નાશ કરાવી સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી હતી.

મીઠાઈ-ફરસાણનાં કારખાનાં અને રસોડામાં ગંદકી સામે કાર્યવાહી

મીઠાઈ અને ફરસાણ બનાવતા કારખાનાં તેમજ રસોડાંની તપાસ દરમિયાન અવધ સ્વીટ, પટેલ સ્વીટ એન્ડ નમકીન અને ભોલેબાબા ડેરી ફાર્મમાં ભારે ગંદકી જોવા મળી હતી. સાથે જ કારીગરો દ્વારા વ્યક્તિગત સ્વચ્છતા (પર્સનલ હાઇજીન) જાળવવામાં બેદરકારી જણાતા સંબંધિત પેઢીઓને સ્વચ્છતા જાળવવા અંગે કડક નોટિસ આપી કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવાળીના તહેવાર દરમિયાન નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી મોરબી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા આ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW