સુરેન્દ્રનગર: જાણીતા હાસ્ય કલાકાર અને લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ પોતાની ઉદારતા અને માનવતાભર્યા અભિગમથી સમાજમાં પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. જમીનના સોદામાં ફસાયેલી બાનાની રકમ પરત મેળવવા સંઘર્ષ કરી રહેલી વિધવા મહિલાની વેદના સમજી હકાભા ગઢવીએ રૂ. 5 લાખની આર્થિક સહાય કરીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મળતી માહિતી મુજબ, કોઢ વિસ્તારમાં રહેતા ભાવનાબા રાજભા ગોહિલ અને દિગ્વિજયસિંહે જમીન ખરીદવા માટે એક વ્યક્તિને બાનાખત પેટે રૂ. 5 લાખ ચૂકવ્યા હતા. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં જમીનનો સોદો પૂર્ણ થઈ શક્યો ન હોવાથી આ વ્યવહાર અટકી ગયો હતો. જેના કારણે બાનાપેટે આપેલી રકમ પરત મેળવવા માટે મુશ્કેલી ઊભી થઈ હતી. આ દરમિયાન હકાભા ગઢવીએ આ જ જમીન ખરીદી હતી. અગાઉના વ્યવહારની બાનાની રકમ ચૂકવવાની તેમની કોઈ કાયદાકીય કે વ્યવસાયિક જવાબદારી ન હોવા છતાં, વિધવા ભાવનાબાની આર્થિક પરિસ્થિતિ અને તેમની મુશ્કેલીની જાણ થતાં તેમણે મદદ માટે આગળ આવવાનું નક્કી કર્યું હતું.
હકાભા ગઢવીએ માનવતાના ધોરણે રૂ. 5 લાખની સહાય સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલના હસ્તે ભાવનાબા રાજભા ગોહિલને અર્પણ કરી હતી, જેથી સહાયની રકમ સીધી લાભાર્થી મહિલા સુધી પહોંચી શકે. કોઈ પણ પ્રકારની જવાબદારી ન હોવા છતાં એક જરૂરિયાતમંદ વિધવા મહિલાની મુશ્કેલીને પોતાની સમજીને કરવામાં આવેલી આ મદદની સર્વત્ર સરાહના થઈ રહી છે. હકાભા ગઢવીના આ સેવાભાવી કાર્યએ સાબિત કર્યું છે કે, માનવતા અને પરોપકાર આજે પણ સમાજમાં જીવંત છે. તેમનું આ કાર્ય અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.

