મોરબી ખાતે આવેલી બ્લુઝોન ફેક્ટરી ખાતે ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે મોરબીના સિરામિક ઉદ્યોગને સ્પર્શતા વિવિધ પડકારો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંબંધિત પ્રશ્નો અંગે મંત્રી સાથે ઊંડાણપૂર્વક ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, ભાજપ મહામંત્રી અરવિંદભાઈ વાસદડિયા, મહામંત્રી તપનભાઈ દવે સહિતના રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોરબી સિરામિક એસોસિએશનના હોદ્દેદારો, ઉદ્યોગપતિઓ તેમજ જેટકો (JETCO) અને પીજીવીસીએલ (PGVCL) ના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઉદ્યોગના પ્રશ્નોની વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.
વીજળી અને પાણીના પ્રશ્નો અંગે રજૂઆત
સિરામિક એસોસિએશન દ્વારા મુખ્યત્વે ઉદ્યોગોમાં વીજ પુરવઠામાં આવતા અવરોધો, વીજળીની સતત વધતી જરૂરિયાતને પહોંચી વળવા નવી વીજ લાઈનો અને સબસ્ટેશનોના નિર્માણ, જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમયસર વિકાસ તથા પાણીની સમસ્યા જેવા મહત્વના મુદ્દાઓ પર મંત્રીનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. મંત્રી ત્રિકમભાઈ છાંગાએ સિરામિક ઉદ્યોગકારોની તમામ રજૂઆતોને હકારાત્મક અભિગમથી સાંભળી હતી અને ઉદ્યોગને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા માટે સરકાર તરફથી શક્ય તમામ પ્રયાસો કરવાની ખાતરી આપી હતી.
મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું હતું કે, મોરબીના સિરામિક ઉદ્યોગના વિકાસ, પાયાની સુવિધાઓના અને ઉદ્યોગકારોની સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે સરકાર અને ઉદ્યોગ જગત વચ્ચેનો આવો સકારાત્મક સંવાદ અત્યંત આવકારદાયક છે.
