મોરબી તાલુકાના ખેવાળીયા ગામે ઝેરી દવા પી જતાં આશરે ૧૦ વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે. બાળકીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મળતી માહિતી મુજબ, ખેવાળીયાથી નારણકા ગામ વચ્ચે આવેલી એક વાડી વિસ્તારમાં રહેતી સોહાના રંગેશભાઈ મેડાએ અગમ્ય કારણોસર મોનોકોટો જેવી ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ બાળકીને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.
હોસ્પિટલમાં ચાર દિવસ સુધી બાળકીની સારવાર ચાલી હતી, પરંતુ તબીબોના પ્રયાસો છતાં તેનો જીવ બચાવી શકાયો નહોતો. ગત ૨૪ ઓક્ટોબરની વહેલી પરોઢે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે હોસ્પિટલ તરફથી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી બનાવ પાછળનું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
