મોરબી શહેરમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા તસ્કરો બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના દરબારગઢ રોડ પર આવેલા જૈન દેરાસર નજીક એક્ટિવા પર જઈ રહેલી શિક્ષિકાના ગળામાંથી બાઈકસવાર શખ્સોએ આંચકો મારી અંદાજે રૂ. 1.30 લાખની કિંમતનો એક તોલાનો સોનાનો ચેઈન લૂંટી લીધો હતો.
મળતી માહિતી મુજબ, વવાણીયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા પૂજાબેન સવારે પૂજા કરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ડબલ સવારી મોટરસાયકલ પર આવેલા અજાણ્યા શખ્સોએ તકનો લાભ લઈ તેમના ગળામાંથી સોનાનો ચેઈન ખેંચી લીધો હતો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા.
આ બનાવમાં સદનસીબે શિક્ષિકાને કોઈ ઈજા પહોંચી નહોતી. જોકે, ધોળા દિવસે જાહેર માર્ગ પર બનેલી આ ચીલઝડપની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ઘટનાને પગલે ભોગ બનનાર પૂજાબેને અજાણ્યા બાઈકસવાર શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

