મોરબી: તબીબી સેવા અને સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ મોરબીના જાણીતા સ્કિન, એસ્થેટિક અને લેસર નિષ્ણાત ડૉ. જયેશ સનારિયાને ગુજરાત સ્ટેટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા વર્ષ 2026નો પ્રતિષ્ઠિત ‘ડૉ. કે.જે. નથવાણી-સોશિયો મેડિકલ એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માનથી મોરબીના તબીબી જગતમાં ગૌરવની લાગણી જોવા મળી રહી છે.
ગત તા. 31 ઓક્ટોબર, રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નેશનલ IMA પ્રમુખ ડૉ. અનિલ નાયક અને ગુજરાત સ્ટેટ IMA પ્રમુખ ડૉ. અનિલ પટેલના હસ્તે ડૉ. જયેશ સનારિયાને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમના પિતા અમુભાઈ સનારિયા અને માતા મંજુલાબેન સનારિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. જયેશ સનારિયા છેલ્લા 19 વર્ષથી મોરબી સ્થિત સ્પર્શ સ્કિન, એસ્થેટિક અને લેસર સેન્ટર મારફતે ત્વચા, વાળ, નખ તેમજ કોસ્મેટિક અને લેસર સારવાર ક્ષેત્રે આધુનિક તબીબી સેવાઓ આપી રહ્યા છે. તેમની તબીબી નિપુણતા સાથે સામાજિક સેવાકાર્યોની પણ ખાસ નોંધ લેવામાં આવી છે.
તેમણે વર્ષોથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ, આરોગ્ય નિદાન શિબિરો અને જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. શાળા-કોલેજોમાં હેલ્થ અવેરનેસ લેક્ચર દ્વારા યુવાનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કર્યું છે. આ ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓ અને આર્મી જવાનોના પરિવારોને નિઃશુલ્ક તેમજ રાહતદરે સારવાર પૂરી પાડીને સેવાકાર્યમાં યોગદાન આપ્યું છે. વિશ્વ સોરાયસિસ દિવસ, વિશ્વ કોઢ દિવસ, વિશ્વ એઈડ્સ દિવસ અને વિશ્વ સ્કિન હેલ્થ દિવસ જેવા પ્રસંગોએ વિવિધ રોગો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ રહ્યા છે. તહેવારો દરમિયાન ત્વચા અને સામાન્ય સ્વાસ્થ્યની કાળજી અંગે માર્ગદર્શન આપવાની કામગીરી પણ તેમની સેવાઓનો ભાગ રહી છે.
IMA મોરબીની આરોગ્યલક્ષી અને સામાજિક પ્રવૃત્તિઓમાં તેમની સક્રિય ભાગીદારી ઉપરાંત તબીબી સંશોધન ક્ષેત્રે પણ તેમનું યોગદાન રહ્યું છે. તેમના સંશોધન પત્રો અને પોસ્ટરો રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તબીબી પરિષદોમાં રજૂ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં IMAના આશરે 41 હજાર સભ્યોમાંથી આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ડૉ. જયેશ સનારિયાની પસંદગી કરવામાં આવી છે. તેમની આ સિદ્ધિ બદલ મોરબીના તબીબી જગત સહિત વિવિધ ક્ષેત્રોમાંથી તેમને શુભેચ્છાઓ મળી રહી છે.

