મોરબીના ટીંબડી પાટિયા પાસે ટ્રકની ભાગીદારીના નાણાકીય હિસાબ મામલે ચાલતી જૂની અદાવતને લઈને સાત શખ્સોએ બે કારમાં આવી એક પરિવારને આંતરી હુમલો કર્યાની ચકચારજનક ઘટના સામે આવી છે. સ્વીફ્ટ અને સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ કાર પર પથ્થરમારો કરી ધારીયા અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાને ધારીયાનો ઘા ઝીંકાતા તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પાંચ સગા ભાઈ સહિત સાત શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના જૂના ટીંબડી ગામે રહેતા જીગ્નેશભાઈ ખોડાભાઈ મુરતિયા (ઉં.વ. 37)એ ભાવેશભાઈ પરષોતમભાઈ બારૈયા, હિતેશભાઈ ઘનશ્યામભાઈ ઝંઝવાડિયા, સુરેશભાઈ, વિનોદભાઈ પરષોતમભાઈ બારૈયા, ભરતભાઈ પરષોતમભાઈ બારૈયા, દશરથભાઈ પરષોતમભાઈ બારૈયા અને હિરેનભાઈ ઘનશ્યામભાઈ ઝંઝવાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ભાવેશભાઈ, હિતેશભાઈ અને સુરેશભાઈ સ્વીફ્ટ કારમાં આવી ફરિયાદી તથા તેમના સાથી રવિભાઈની કારને રસ્તામાં આંતરીને ઊભી રાખી હતી. ત્યારબાદ ભાવેશભાઈ કારમાંથી નીચે ઉતરી ફરિયાદીને ગાળો આપી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આ દરમિયાન વિનોદભાઈ, ભરતભાઈ, દશરથભાઈ અને હિરેનભાઈ સ્કોર્પિયો કારમાં આવી પહોંચ્યા હતા. તેઓ પોતાની સાથે ધારીયા જેવા ઘાતક હથિયારો લઈને આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદી અને તેમના સાથીને હિરેનભાઈ સાથે પૈસાની લેતીદેતીના મામલે સમાધાન કરી લેવા જણાવ્યું હતું અને તેમ નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આરોપીઓએ સાથી રવિભાઈની કાર પર છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો, જેમાં તેમને નાકના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા પહોંચી હતી. બીજી તરફ, ભરતભાઈ અને દશરથભાઈએ ફરિયાદી જીગ્નેશભાઈ પર ધારીયા જેવા હથિયારથી હુમલો કરી તેમના ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચાડી હતી.
પુત્ર પર હુમલો થતો જોઈ તેમના પિતા ખોડાભાઈ જલાભાઈ તેમને બચાવવા વચ્ચે પડ્યા હતા. આ દરમિયાન આરોપીઓએ તેમના કપાળના ભાગે ધારીયાનો ઘા ઝીંક્યો હતો. ગંભીર ઈજાઓને કારણે ખોડાભાઈનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે સાતેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115(2), 117(2), 118(2), 103(1), 189(2), 189(4), 190, 191(3), 324(4), 351(3), 352 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
