મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કાનપર ગામમાં સરકારની 100 એલ.પી.સી.ડી. વાંકાનેર ગ્રુપ સુધારણા યોજના અંતર્ગત પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. આ યોજના થકી ગામના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે.
યોજનાના લાભ પહેલાં કાનપર ગામને લીંબાળા સબ-હેડવર્ક્સમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું હોવા છતાં, ટેકનિકલ કારણોસર ગામ સુધી પીવાનું પાણી પહોંચી શકતું ન હતું. પરિણામે, ગ્રામ પંચાયત દ્વારા સ્થાનિક સ્તરે પાણીની વ્યવસ્થા કરવામાં આવતી હતી. બોર દ્વારા પીવાનું તથા વપરાશનું પાણી મેળવવામાં આવતું હતું, પરંતુ બોરમાં ઊંડાણ વધતાં પાણીના સ્તરમાં ઘટાડો થતો હોવાથી ગ્રામજનોને પીવાના પાણી માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો.
આ સમસ્યાના નિવારણ માટે 100 એલ.પી.સી.ડી. વાંકાનેર ગ્રુપ સુધારણા યોજના અંતર્ગત કાનપર ગામમાં અંદાજે 140 મીટર લાંબી નવી પીવીસી પાઇપલાઇન નાખવામાં આવી છે. આ કામગીરીના પરિણામે ગામના સંપમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા સુદૃઢ બની છે અને ગામના નાગરિકોને નિયમિત રીતે પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે.
આમ, સરકારની જનકલ્યાણકારી યોજનાના અસરકારક અમલીકરણથી કાનપર ગામના નાગરિકોની પીવાના પાણીની સમસ્યાના નિરાકરણમાં નોંધપાત્ર સફળતા મળી છે. આ કામગીરી ગ્રામજનોના જીવનમાં સુવિધા લાવવાની સાથે સરકારની લોકકલ્યાણલક્ષી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બની છે.
