મોરબીના રોહિદાસ પારા વિસ્તારમાં રહેતા અને ૭૫ વર્ષની વયે પહોંચેલા એક અનુસૂચિત જાતિના વૃદ્ધ અરજદારે પ્રશાસનિક ઉદાસીનતા અને લાંબા સમયથી ચાલતા અન્યાયથી કંટાળીને આખરે જિલ્લા કલેક્ટર પાસે પોતાના પરિવાર સાથે ઈચ્છામૃત્યુની મંજૂરી માંગતી ચોંકાવનારી અરજી કરી છે. આ મામલે સ્થાનિક સ્તરે ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અરજદાર રવજીભાઈ મેઘજીભાઈ ચૌહાણના પિતાના નામે મોરબી તાલુકાના પીપળી ગામના સર્વે નંબર ૩૦૪/૧ પૈકીની જમીન આવેલી છે. રાજકોટ કલેક્ટરના હુકમથી ૨૬ જૂન ૧૯૬૮ના રોજ સ્ટોન ક્રશરના હેતુ માટે કબજા કિંમત વસૂલ લઈને આ જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન પર રવજીભાઈ અને તેમનો પરિવાર છેલ્લા ૫૮ વર્ષથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે.
પરંતુ, ૧૬ ઓગસ્ટ ૧૯૮૬ના રોજ નાયબ કલેક્ટર, મોરબીના હુકમથી ટીંબડી ગામના સર્વે નંબર ૯૪/૨ માં નવું ગામતળ મંજૂર કરવામાં આવ્યું હતું. આરોપ છે કે તે સમયના તાલુકા વિકાસ અધિકારી, પંચાયતના સર્કલ ઇન્સ્પેક્ટર અને ટીંબડી ગામના પૂર્વ સરપંચ દ્વારા કલેક્ટર દ્વારા ફાળવેલ જમીનની આગળના ભાગમાં તેમજ પીપળી ગામની ખરાબાની જમીનમાં જાણી જોઈને ગેરકાયદેસર રીતે ગામતળ બેસાડી દેવામાં આવ્યું હતું. જેના કારણે અરજદારને છેલ્લા ૩૫ વર્ષથી વધુ સમયથી સતત હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
માપણીમાં ગેરકાયદેસરતા સાબિત છતાં ન્યાય નહીં
આ વિવાદિત જમીનની અત્યાર સુધીમાં ચાર-ચાર વખત સરકારી માપણી સીટ થઈ ચૂકી છે. સરકારી માપણીમાં પણ ટીંબડી ગામનું નવું ગામતળ ગેરકાયદેસર રીતે બેઠું હોવાનું સ્પષ્ટ સાબિત થઈ ગયું છે. અરજદારે આ વિવાદનો કાયમી નિકાલ લાવવા માટે તંત્ર સમક્ષ અઢળક લેખિત રજૂઆતો કરી છે, છતાં આજદિન સુધી કોઈ જ હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી. અરજદારની માંગ છે કે ટીંબડી ગામનું નવું ગામતળ તેની મૂળ જગ્યાએ ખસેડવામાં આવે અથવા ગામતળ પૈકીના હરરાજીવાળા વિવાદિત પ્લોટનું શિફ્ટિંગ કરવામાં આવે. તાજેતરમાં જ નાયબ કલેક્ટર, મોરબી દ્વારા આ મામલે એક વિવાદિત હુકમ કરી પંચાયત પાસે અહેવાલ મંગાવવામાં આવ્યો છે. આવા નિર્ણયોથી ન્યા મળવાની કોઈ જ આશા ન દેખાતા અરજદારે આ પગલું ભર્યું છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગત 30 ઓક્ટોબર ૨
2026 ના રોજ અરજદાર દ્વારા 1 જિલ્લા કલેક્ટર, મોરબી , જિલ્લા વિકાસ અધિકારી, મોરબી, પ્રાંત અધિકારી, મોરબી અને તાલુકા વિકાસ અધિકારી, મોરબીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રાંત અધિકારી સમક્ષ સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે જો વહેલી તકે યોગ્ય ન્યાય આપવામાં નહીં આવે, તો જિલ્લા મેજિસ્ટ્રેટ, મોરબી દ્વારા અરજદાર અને તેના સહ પરિવારને ઈચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવે.
૭૫ વર્ષના વૃદ્ધ દ્વારા ઈચ્છામૃત્યુની માંગ કરવામાં આવતા મોરબી જિલ્લાના વહીવટી વર્તુળોમાં હડકંપ મચી ગયો છે અને હવે તંત્ર આ મામલે શું નવો નિર્ણય લે છે તેના પર સૌની નજર
ટકેલી છે.
