હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આવેલી ભરડીયાની ઓરડીમાં ચાલતા જુગારધામ પર મોરબી LCB અને પેરોલ સ્કોડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી છે. પોલીસે દરોડા દરમિયાન તીનપત્તીનો જુગાર રમતા કુલ 12 શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન પોલીસે રૂ. 1,41,500ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મળતી માહિતી મુજબ, મોરબી LCB અને પેરોલ સ્કોડના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, હળવદ રોડ પર ચરાડવા ગામની સીમમાં અદાણી CNG પેટ્રોલ પંપની સામે આવેલી ભરડીયાની ઓરડીમાં જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ દ્વારા બહારથી લોકોને બોલાવી તીનપત્તીનો જુગાર રમાડવામાં આવે છે. તેમજ જુગારના અખાડામાંથી નાલ ઉઘરાવવામાં આવતું હોવાની પણ બાતમી મળી હતી.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી જુગાર રમતા 12 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રૂ. 1,41,500ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે પકડેલા શખ્સોમાં જયસુખભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉં.વ. 50), દિલીપભાઈ મનજીભાઈ પટેલ (ઉં.વ. 50), કિશનભાઈ મુકંદરાય ગોંડલીયા (ઉં.વ. 37), ફેનીલભાઈ કિરીટભાઈ પટેલ (ઉં.વ. 28), હરિમિત્ર હેમશંકરભાઈ રાવળ (ઉં.વ. 36), જીગ્નેશભાઈ અરવિંદભાઈ પટેલ (ઉં.વ. 39), મયંકભાઈ તળશીભાઈ પટેલ (ઉં.વ. 37), જયદીપભાઈ વાલજીભાઈ પટેલ (ઉં.વ. 32), હરગોવિંદભાઈ શંકરભાઈ પટેલ (ઉં.વ. 33), રમેશભાઈ વેલાભાઈ ભરવાડ (ઉં.વ. 31), હરેશભાઈ ઓધવજીભાઈ પટેલ (ઉં.વ. 35) અને મનસુખભાઈ મગનભાઈ પટેલ (ઉં.વ. 50)નો સમાવેશ થાય છે. તમામ આરોપીઓ મોરબી અને આસપાસના વિસ્તારોના રહેવાસી હોવાનું જણાવાયું છે.
આ મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
