મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિદેશી દારૂના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપીને મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમે રાજસ્થાનના જોધપુર ખાતેથી ઝડપી પાડ્યો છે. આરોપીને મોરબી લાવી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પ્રોહિબિશનના ગુનાઓમાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડી પાડવા માટે મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમને રાજસ્થાન તરફ તપાસ માટે મોકલવામાં આવી હતી. દરમિયાન પોલીસને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા માંગીલાલ આસુરામ ખાવા (ઉંમર ૩૯ વર્ષ), રહે. કોટડા ગામ, તાલુકો રાણીવાડા, જિલ્લો જાલોર, રાજસ્થાન, અંગે માહિતી મળી હતી.
પોલીસ ટીમે રાજસ્થાનના જોધપુર ખાતે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ તેને મોરબી એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની સામે ધોરણસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમ, મોરબી એલસીબી અને પેરોલ-ફર્લો સ્ક્વોડને ચાર વર્ષથી ફરાર પ્રોહિબિશન ગુનાના આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડવામાં સફળતા મળી છે.
