મોરબીના સિરામિક ઉદ્યોગમાં પહેલેથી જ મંદીનો માહોલ છવાયેલો છે, ત્યારે પ્રોપેન ગેસના ભાવમાં થયેલા અચાનક વધારાએ ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. ઓઇલ કંપનીઓ દ્વારા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને રૂ. 7,300નો વધારો કરવામાં આવતાં સિરામિક ઉત્પાદકોના ખર્ચમાં પ્રતિ ક્યુબિક મીટરે અંદાજે રૂ. 6નો વધારો થયો છે. આ પરિસ્થિતિમાં મંદી સામે ઝઝૂમી રહેલા એકમો માટે ઉત્પાદન ચાલુ રાખવું વધુ પડકારજનક બન્યું છે.
નેચરલ ગેસના ભાવ અગાઉથી જ રૂ. 100ને પાર પહોંચી ગયા હતા. તેની સરખામણીએ પ્રોપેન ગેસ રૂ. 10 થી 15 સસ્તો મળતો હોવાથી અનેક એકમો તેનો ઉપયોગ કરતા હતા. જોકે, છેલ્લા મહિના દરમિયાન પ્રોપેનના ભાવમાં ત્રણ વખત વધારો થતાં બંને ગેસના ભાવ વચ્ચેનું અંતર ઘટીને માત્ર રૂ. 7 થી 8 જેટલું રહી ગયું હતું. હવે વધુ રૂ. 7,300 પ્રતિ ટનનો વધારો થતાં પ્રોપેન ગેસના ભાવ પણ રૂ. 100ને પાર પહોંચ્યા છે. આગામી 1 નવેમ્બરથી ફરી ભાવવધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે સર્જાયેલી ભૌગોલિક રાજકીય તંગદિલી અને કાળા તથા રાતા સમુદ્ર વિસ્તારમાં અશાંતિને કારણે ઇંધણના ભાવ પર દબાણ વધ્યું છે. ગેસના પુરવઠા અને વેપારી માર્ગોમાં સર્જાયેલી અડચણોની અસર પણ ઉદ્યોગ પર પડી રહી છે. બીજી તરફ, સ્થાનિક અને વૈશ્વિક બજારમાં માંગ નબળી રહેતા સિરામિક ઉત્પાદનોના વેચાણને વેગ મળતો નથી.
મંદી, વધતો ઉત્પાદન ખર્ચ અને નિકાસમાં પડતી મુશ્કેલીઓના ત્રિપાંખિયા મારનો સામનો કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગના અનેક એકમોએ સ્વૈચ્છિક શટડાઉનનો નિર્ણય લેવો પડ્યો છે. લાખો લોકોને રોજગારી આપતા આ ઉદ્યોગ માટે ગેસના ભાવમાં સતત થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. જો આ સ્થિતિ લાંબો સમય યથાવત રહેશે તો ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધુ વધારો થવાની ભીતિ છે.
