HomeGujaratહરબટીયાળી પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગીતાબેન સાંચલાનો અનોખો શૈક્ષણિક પ્રયોગ, ‘વાગલેની દુનિયા’થી બાળકોને...

હરબટીયાળી પ્રાથમિક શાળામાં શિક્ષિકા ગીતાબેન સાંચલાનો અનોખો શૈક્ષણિક પ્રયોગ, ‘વાગલેની દુનિયા’થી બાળકોને મળશે રમતાં-રમતાં શિક્ષણ

ટંકારા તાલુકાની શાળામાં વાંચન, લેખન અને ગણન કૌશલ્ય વિકસાવવા દીવાલો પર કરાવ્યું શૈક્ષણિક ચિત્રાંકન

ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળામાં બાળકોને આનંદ સાથે શિક્ષણ મળી રહે અને તેમની પાયાની શૈક્ષણિક ક્ષમતાઓનો વિકાસ થાય તે હેતુથી શિક્ષિકા ગીતાબેન સાંચલાએ ‘વાગલેની દુનિયા’ નામનો અનોખો શૈક્ષણિક પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. નિપુણ ભારત મિશનના ઉદ્દેશોને સાકાર કરવાની દિશામાં આ પહેલ બાળકો માટે અભ્યાસને વધુ રસપ્રદ અને સરળ બનાવશે.

નિપુણ ભારત મિશન અંતર્ગત દરેક બાળક ધોરણ-૩ના અંત સુધીમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટે પ્રવૃત્તિ આધારિત અને આનંદદાયક શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે. આ દિશામાં ગીતાબેન દ્વારા શાળાના વર્ગખંડો અને લોબીની દીવાલો પર શૈક્ષણિક ચિત્રાંકન કરાવવામાં આવ્યું છે. તેમાં બાલવાટિકા તથા ધોરણ ૧ અને ૨ની અધ્યયન નિષ્પત્તિઓને આવરી લેતી સામગ્રી સાથે ધોરણ ૫ સુધીનાં બાળકોને વાંચન, લેખન અને ગણનમાં ઉપયોગી થાય તેવી શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે બાળકો રિસેસ દરમિયાન પણ દીવાલો પરના ચિત્રો અને શૈક્ષણિક સામગ્રીના માધ્યમથી રમતાં-રમતાં શીખી શકે છે. આમ, શાળાનું વાતાવરણ જ બાળકો માટે સતત શીખવાનું માધ્યમ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્ય પાછળનો ખર્ચ ગીતાબેને વસતી ગણતરીની કામગીરી માટે મળેલા મહેનતાણામાંથી કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

ગીતાબેન સાંચલા અગાઉ પણ ‘બોલતી બજાર’ નામનો શૈક્ષણિક પ્રોજેક્ટ તૈયાર કરી ચૂક્યાં છે, જેને સારો પ્રતિસાદ મળ્યો હતો અને અનેક બાળકોએ તેનો લાભ લીધો હતો. શિક્ષણ ક્ષેત્રે સતત નવીન પ્રયોગો કરવાની તેમની પહેલને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવી છે.INDIA EXACT

‘વાગલેની દુનિયા’ પ્રોજેક્ટ બદલ શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરિયા, બીઆરસી કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર, રાજ્ય શિક્ષક સંઘના ઉપપ્રમુખ વિરમભાઈ દેસાઈ, સીઆરસી કો-ઓર્ડિનેટર કૌશિકભાઈ ઢેઢી, તાલુકા શાળા આચાર્ય પ્રવીણભાઈ પારઘી સહિત શાળા પરિવાર અને ટંકારા તાલુકાના શિક્ષકગણે ગીતાબેનને શુભેચ્છાઓ પાઠવી છે.

બાળકોને અભ્યાસ સાથે જોડવા અને શિક્ષણને આનંદદાયક બનાવવા માટેના આવા નવીન પ્રયાસો પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારવામાં ઉપયોગી બની શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,690SubscribersSubscribe

TRENDING NOW