મહિલાને ધક્કો મારતાં માથામાં ઈજા, અન્ય વ્યક્તિને હાથમાં મૂઢ માર માર્યાનો આક્ષેપ; બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
મોરબી તાલુકાના હરિપર (કે) ગામે મકાન ભાડાની બાકી રકમને લઈને વિવાદ હિંસક બન્યો હોવાની ઘટના સામે આવી છે. ભાડું માંગવા બાબતે થયેલી બોલાચાલી બાદ મકાનમાલિકે લાકડાના ધોકા વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હરિપર (કે) ગામે રહેતાં રેખાબેન સુરેશભાઈ પાંચીયા (ઉં.વ. ૬૦)એ ગામના જ અમિતભાઈ પટેલ અને દીપેશ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, મકાનનું ભાડું માંગવા બાબતે અમિતભાઈએ કિરણબેન સાથે ગાળાગાળી કરી હતી અને બોલાચાલી કરી હતી. આ દરમિયાન ફરિયાદી રેખાબેન સહિત કિરણબેન, લક્ષ્મણભાઈ અને મેહુલભાઈ અમિતભાઈને સમજાવવા માટે જતાં વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો.
આક્ષેપ છે કે અમિતભાઈએ હાથમાં રહેલા લાકડાના ધોકા વડે લક્ષ્મણભાઈના હાથમાં મૂઢ માર માર્યો હતો. દરમિયાન રેખાબેન છોડાવવા વચ્ચે પડતાં તેમને ધક્કો મારવામાં આવ્યો હતો, જેના કારણે તેઓ નીચે પડી જતાં માથાના ભાગે ઈજા થઈ હતી. વધુમાં, દીપેશ પટેલે ફરિયાદી અને તેમની સાથે રહેલા લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


