મહંતસ્વામી મહારાજ 20 ઓક્ટોબરે મોરબી પધારશે, 4 નવેમ્બર સુધી ભક્તોને આપશે દર્શન અને આશીર્વાદ
મોરબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરના ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ પાવન પ્રસંગે BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ તા. 20 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્યે મોરબી પધારશે. તેઓ 4 નવેમ્બર સુધી મોરબીમાં રોકાણ કરી હરિભક્તોને દર્શન અને આશીર્વાદ આપશે.
મહોત્સવના મુખ્ય કાર્યક્રમો તા. 23 ઓક્ટોબરથી શરૂ થશે. પ્રથમ દિવસે ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-1’ અને સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 24 ઓક્ટોબરના રોજ ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ-2’ સાથે ઠાકોરજીની ભવ્ય શોભાયાત્રા યોજાશે.
તા. 25 ઓક્ટોબર, રવિવારના રોજ મહોત્સવનો મુખ્ય દિવસ રહેશે. આ દિવસે મહંતસ્વામી મહારાજના હસ્તે ભગવાનની મૂર્તિઓની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. સાંજે મંદિરના લોકાર્પણ સાથે શરદ પૂર્ણિમાની વિશેષ સભાનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેવાની અપેક્ષા છે.
આગળના કાર્યક્રમો અંતર્ગત તા. 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી દરરોજ સવારે પ્રાતઃપૂજા અને દર્શન, સાંજે સત્સંગ સભા તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. 2 નવેમ્બરના રોજ સાંજે વિરાટ મહિલા સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવના અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભક્તિમય માહોલ સર્જાશે. મહંતસ્વામી મહારાજ 4 નવેમ્બરના રોજ મોરબીથી વિદાય લેશે.
મોરબીમાં યોજાનારા આ ભવ્ય મહોત્સવને લઈને હરિભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મંદિર પરિસરમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


