મોરબી જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ગુરુવારની મધરાત બાદ શરૂ થયેલા વરસાદે શુક્રવારની વહેલી સવાર સુધીમાં જિલ્લાના અનેક વિસ્તારોને ધમરોળ્યા હતા. ખાસ કરીને માળીયા મિયાણા પંથકમાં સવા પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે વાંકાનેરમાં માત્ર બે કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ ગુરુવારે રાત્રે 12 વાગ્યા બાદ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ હતી. શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીમાં માળીયા મિયાણા તાલુકામાં 131 મીમી એટલે કે સવા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત મોરબી તાલુકામાં 17 મીમી, ટંકારા તાલુકામાં 41 મીમી અને વાંકાનેર તાલુકામાં 87 મીમી વરસાદ વરસ્યો હતો. હળવદ તાલુકામાં પણ 19 મીમી વરસાદ નોંધાયો હતો.
બે કલાકમાં વાંકાનેરમાં 50 મીમી વરસાદ
શુક્રવારે સવારે 6થી 8 વાગ્યા દરમિયાન પણ મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ યથાવત રાખ્યું હતું. આ બે કલાકના સમયગાળામાં મોરબીમાં 10 મીમી, ટંકારામાં 38 મીમી અને વાંકાનેરમાં સૌથી વધુ 50 મીમી વરસાદ નોંધાયો હતો. માળીયા મિયાણામાં આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો ન હતો, જ્યારે હળવદમાં 19 મીમી વરસાદ પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં માળિયામાં ભારે વરસાદ
ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના આંકડા પર નજર કરીએ તો માળીયા મિયાણા તાલુકામાં 131 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મોરબીમાં 7 મીમી, ટંકારામાં 3 મીમી અને વાંકાનેરમાં 37 મીમી વરસાદ નોંધાયો હતો. હળવદમાં આ સમયગાળા દરમિયાન વરસાદ નોંધાયો ન હતો.
હાલ મોરબી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. આકાશમાં ઘેરા વાદળો છવાયેલા હોવાથી આગામી કલાકોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

