મોરબી: શહેરના શનાળા રોડ પર આવેલા ન્યુ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આયોજિત ‘હાઉસિંગ બોર્ડ કા રાજા’ ગણેશ મહોત્સવમાં આજે રાત્રે ભક્તિ સાથે મનોરંજનનો રંગ પણ જામશે. ગણેશ મહોત્સવના ભાગરૂપે રાત્રે 9:30 વાગ્યે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જાણીતા કમાભાઈનો ખાસ હાસ્ય કાર્યક્રમ યોજાવાનો છે.
સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તાર દ્વારા આયોજિત આ ગણેશ મહોત્સવમાં દરરોજ ગણપતિ બાપ્પાની પૂજા-અર્ચના તથા આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ભક્તિમય વાતાવરણ વચ્ચે આજે રાત્રે યોજાનાર હાસ્ય કાર્યક્રમથી મહોત્સવમાં મનોરંજનનો ઉમેરો થશે.
કમાભાઈ તેમની આગવી હાસ્યશૈલી અને રમૂજી અંદાજ માટે જાણીતા છે. તેમના કાર્યક્રમને લઈને આયોજકો દ્વારા જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. હાસ્ય કાર્યક્રમ માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા છે.
ગણેશ મહોત્સવના આયોજકોએ મોરબીની ધર્મપ્રેમી જનતાને કમાભાઈના હાસ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમનો આનંદ માણવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.

