HomeGujaratમોરબીમાં દશકામાં સાત વખત સપ્ટેમ્બર પછી મેઘરાજા ભરપુર વરસ્યા

મોરબીમાં દશકામાં સાત વખત સપ્ટેમ્બર પછી મેઘરાજા ભરપુર વરસ્યા

મોરબીની ભૌગોલિક સ્થિતિ અને બદલાતી આબોહવાની અસર હવે વરસાદની પેટર્નમાં પણ જોવા મળી રહી છે. છેલ્લા એક દાયકાના સરકારી વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો ચોમાસાના અંતિમ તબક્કામાં એટલે કે સપ્ટેમ્બર બાદ અનેક વર્ષોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2016થી 2025 દરમિયાનના આંકડા દર્શાવે છે કે કેટલાક વર્ષોમાં જૂનથી ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરથી ચોમાસાના અંત સુધીનો વરસાદ વધુ રહ્યો હતો.

દાયકાના આંકડાઓમાં 2016માં જૂનથી ઓગસ્ટ દરમિયાન 320 મિમી વરસાદ સામે સપ્ટેમ્બર બાદ 138 મિમી, 2017માં 530 મિમી સામે 241 મિમી અને 2018માં 195 મિમી સામે 81 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 2020માં જૂનથી ઓગસ્ટ દરમિયાન 815 મિમી વરસાદ પડ્યો હતો, જ્યારે સપ્ટેમ્બર બાદ 310 મિમી વરસાદ નોંધાયો હતો. આ વર્ષોમાં ચોમાસાના શરૂઆતના તબક્કામાં જ વધુ વરસાદ પડ્યો હતો.

બીજી તરફ કેટલાક વર્ષોમાં સપ્ટેમ્બર બાદ વરસાદનું જોર વધ્યું હતું. ખાસ કરીને 2019માં જૂનથી ઓગસ્ટ દરમિયાન 590 મિમી વરસાદ સામે સપ્ટેમ્બર બાદ 585 મિમી વરસાદ નોંધાયો હતો. બંને તબક્કા વચ્ચે માત્ર 5 મિમીનો તફાવત રહ્યો હતો.

વર્ષ 2024માં પણ ચોમાસાના બંને તબક્કાનો વરસાદ લગભગ સરખો રહ્યો હતો. જૂનથી ઓગસ્ટ દરમિયાન 543 મિમીની સામે સપ્ટેમ્બર બાદ 544 મિમી વરસાદ નોંધાયો હતો. એટલે બંને સમયગાળા વચ્ચે માત્ર 1 મિમીનો તફાવત રહ્યો હતો.

2025ના આંકડા મુજબ જૂનથી ઓગસ્ટ દરમિયાન 395 મિમી વરસાદ થયો હતો, જ્યારે સપ્ટેમ્બર બાદ 357 મિમી નોંધાયો હતો. આમ, આ વર્ષે શરૂઆતના ત્રણ મહિનામાં 38 મિમી વધુ વરસાદ પડ્યો હતો. જોકે 2024ની સરખામણીએ 2025માં સપ્ટેમ્બર બાદ 187 મિમી ઓછો વરસાદ નોંધાયો હતો.

છેલ્લા દાયકામાં 2019 સૌથી વધુ વરસાદવાળું વર્ષ રહ્યું હતું, જેમાં કુલ 1,175 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે 2018માં માત્ર 276 મિમી વરસાદ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત 2020માં 1,125 મિમી અને 2024માં 1,087 મિમી વરસાદ નોંધાતા બંને વર્ષ પણ ભારે વરસાદવાળા વર્ષોમાં સામેલ રહ્યા હતા.

આ આંકડાઓ પરથી મોરબીમાં ચોમાસાની શરૂઆત કરતાં તેના અંતિમ તબક્કામાં પણ વરસાદનું મહત્વ વધતું હોવાનું ચિત્ર સામે આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,640SubscribersSubscribe

TRENDING NOW