મોરબી સીટી બી-ડિવિઝન પોલીસે બાઇક ચોરીના એક અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ચોરી કરાયેલ મોટરસાઇકલ સાથે ઝડપી લીધો છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન વીસીપરા વિસ્તારમાં મદિના સોસાયટીના નાકા પાસેથી એક શંકાસ્પદ વ્યક્તિ હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ સાથે મળી આવ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન મોટરસાઇકલ પર નંબર પ્લેટ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
પોલીસે શંકાસ્પદ વ્યક્તિ પાસે મોટરસાઇકલના જરૂરી દસ્તાવેજો માંગતા તેણે પોતાની પાસે કોઈ કાગળો ન હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરતાં તેણે આ મોટરસાઇકલ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા લાયન્સનગર ખાતે મંગલેશ્વર મહાદેવ મંદિર નજીકથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.
આથી પોલીસે ચોરીની મોટરસાઇકલ કબજે કરી આરોપી સદામભાઇ અનવરભાઇ બુખારી, રહે. વીસીપરા, રણછોડનગર, સાઈબાબા મંદિર પાછળ, મફતીયાપરા, મોરબી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

