મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં તીનપત્તીનો જુગાર રમતા એક મહિલા સહિત પાંચ શખ્સોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડ સહિત કુલ રૂ.71,100નો મુદ્દામાલ કબજે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીપળી ગામની સીમમાં સીસમ સિરામિક તરફ જવાના રસ્તા સામે આવેલા કોમ્પ્લેક્સમાં મોમાજી મોબાઇલ દુકાનની આગળના ભાગે પતરાના શેડ નીચે કેટલાક લોકો તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ઇલેક્ટ્રિક લાઇટના અજવાળામાં પૈસાની હાર-જીતનો તીનપત્તીનો જુગાર રમતા અરવિંદભાઈ બાબુભાઈ સોમાણી, પારસભાઈ કનુભાઈ વરાણીયા, નીલેશભાઈ મનસુખભાઈ વાડલીયા, મકસુદભાઈ મોમદભાઈ નકુમ અને ચેતનાબેન નવીનભાઈ વાઢેરા મળી કુલ પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.
પોલીસે જુગારના સ્થળેથી રોકડ સહિત કુલ રૂ.71,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે મોરબી તાલુકા પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

