મોરબીના જાંબુડિયા ગામે પારિવારિક મામલે મારામારીની ઘટના સામે આવી છે. બીમારીના કારણે પત્ની જાતે નાહી શકતી ન હોવાથી પતિએ તેના વાળ કાપી નાખ્યા હતા. આ બાબતથી નારાજ થયેલા બે સાળા ઘરે પહોંચ્યા બાદ બનેવી સાથે ઝઘડો કરી હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. હુમલામાં 50 વર્ષીય બળદેવભાઈ જેન્તીભાઈ ઉધરેજાને ઈજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ, બળદેવભાઈ સાંજના સમયે પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના સાળા બાલા અને રતન ત્યાં આવ્યા હતા. બંને વચ્ચે કોઈ મુદ્દે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બન્યો અને મારામારી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં બળદેવભાઈને ઈજા પહોંચતા પરિવારજનોએ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા.
બળદેવભાઈની પત્ની મજૂબેન બીમારીથી પીડાતા હોવાથી તેઓ જાતે સ્નાન કરી શકતા ન હતા. જેથી પતિએ તેમના વાળ કાપી નાખ્યા હતા. બહેનના વાળ કાપવામાં આવ્યા હોવાની વાતને લઈને બંને સાળાઓએ રોષ વ્યક્ત કરી બનેવી સાથે મારામારી કરી હોવાનો પ્રાથમિક આક્ષેપ છે.
હુમલા દરમિયાન બળદેવભાઈના ગુપ્તાંગના ભાગે કોઈ વસ્તુથી ઈજા પહોંચાડવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા મોરબી તાલુકા પોલીસને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટાફ હોસ્પિટલ પહોંચ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ, મેડિકલ રિપોર્ટ અને તપાસ દરમિયાન સામે આવતી હકીકતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

