HomeGujaratમોરબી બાયપાસ જમીન સંપાદન વિવાદ: NHAI ના અધિકારી સાથેની બેઠકમાં ઉકેલ ન...

મોરબી બાયપાસ જમીન સંપાદન વિવાદ: NHAI ના અધિકારી સાથેની બેઠકમાં ઉકેલ ન આવતા ખેડૂતોમાં ભારે રોષ, આંદોલનની ચીમકી

મોરબી નેશનલ હાઇવે બાયપાસ માટે હાથ ધરવામાં આવેલી જમીન સંપાદનની કામગીરી સામે અસરગ્રસ્ત ગ્રામજનો અને ખેડૂતોનો વિરોધ વધુ વકર્યો છે. જમીન સંપાદન અને યોગ્ય વળતર આપવાના મુદ્દે આજે ખેડૂત પ્રતિનિધિઓ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી મહત્વની બેઠક કોઈ પણ જાતના નક્કર પરિણામ વગર નિષ્ફળ રહી છે. જેને પગલે ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, આ બેઠકમાં ગાળા, કેરાળા, જસમતગઢ, સાપર, નીચી માંડલ, આંદરણા, ખરેડા, વાંકડા અને જીવાપર (ચકમપર) સહિતના ૯ ગામોના ખેડૂત પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તંત્ર તરફથી મોરબી પ્રાંત અધિકારી, જમીન સંપાદન અધિકારી તેમજ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ખેડૂતોએ પોતાની કિંમતી જમીન સામે યોગ્ય અને સંતોષકારક વળતર આપવા સહિતના વિવિધ પડતર પ્રશ્નો અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા હતા.

જોકે, અધિકારીઓ તરફથી વળતર અને અન્ય પ્રશ્નો અંગે કોઈ સકારાત્મક કે નક્કર ખાતરી ન મળતા આખરે બેઠક અનિર્ણાયક રહી હતી. બેઠક બાદ આકરા પાણીએ થયેલા ખેડૂત પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “જ્યાં સુધી ખેડૂતોના તમામ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ ન આવે અને વળતર અંગે સંતોષકારક નિર્ણય ન લેવાય, ત્યાં સુધી જમીન સંપાદનની કોઈપણ કામગીરી આગળ વધારવા દેવામાં આવશે નહીં.”

તંત્રની નીતિ સામે વિરોધ નોંધાવતા ખેડૂતોએ આખરી ચીમકી પણ આપી છે કે જો ટૂંક સમયમાં તેમના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં તમામ અસરગ્રસ્ત ગામોને સાથે રાખીને ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW