મોરબી મહાનગરપાલિકામાં મેયર ઉત્તમ સુરાણીના અધ્યક્ષસ્થાને સપ્ટેમ્બર માસની સામાન્ય સભા યોજાઈ હતી. બેઠકમાં વિવિધ એજન્ડા પર સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવ્યા હતા. શરૂઆતમાં અગાઉની સામાન્ય સભાના ઠરાવો અને નિર્ણયોનું બહાલીદાન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં શનાળા બાયપાસથી નવલખી ફાટક સુધીના માર્ગને SWMS નામ આપવાનો નિર્ણય લેવાયો હતો. મહાનગરપાલિકામાં સમાવાયેલા 9 ગ્રામ પંચાયત વિસ્તારોમાં ટેક્સ ગણતરી માટે ABC લોકેશન ગ્રેડ સ્ટેડિંગ કમિટીને પણ મંજૂરી આપવામાં આવી હતી.
આ ઉપરાંત રવાપર રોડ પર કર્તવ્ય જીવદયા કેન્દ્ર નજીકના સર્કલના નામકરણ, મોરબી બાયપાસથી પંચાસર જતા માર્ગ પર ગેટ નિર્માણ અને વોર્ડ નં.10માં વરસાદી પાણીના નિકાલ માટે એપોલો હોલથી શનાળા ગામ સુધી બે સ્થળે સ્ટોર્મ વોટર સિસ્ટમની કામગીરીને મંજૂરી અપાઈ હતી.
વોર્ડ નં.10માં ગોકુળનગરથી લાયન્સનગરને જોડતા માર્ગનું નામ ગોકુળદાસ પ્રાગજી પરમાર માર્ગ રાખવા તેમજ ગાર્ડન નિર્માણને મંજૂરી આપવામાં આવી. સાથે જ મોરબી APMCના સભ્ય તરીકે જીગ્નેશ કૈલાનું નામ સૂચવાયું હતું. જ્યારે લીલાપર ગામના તળાવનું નામ સ્વામી પ્રસાદ મુખર્જી રાખવાનો નિર્ણય લેવાયો હતો.

