રાજકોટ: પડધરી તાલુકાના દહીસરડા આજી ગામે ચેકડેમમાં ન્હાવા ગયેલા ચાર બાળકોનાં ડૂબી જવાથી મોત થયા છે. એક જ શેરીમાં રહેતા અને સાથે રમતા ત્રણ મિત્રો તથા જન્માષ્ટમીના તહેવાર દરમિયાન મામાના ઘરે આવેલા તેમના ભાણેજ સહિત ચારેય બાળકો શનિવારે, તા.૫ સપ્ટેમ્બરના રોજ બપોરે ગામના હનુમાન મંદિર પાછળ આવેલા ચેકડેમમાં ન્હાવા ગયા હતા. આ દરમિયાન એક બાદ એક ચારેય બાળકો પાણીમાં ડૂબી ગયા હતા.
મળતી માહિતી મુજબ, દહીસરડા આજી ગામમાં એક જ શેરીમાં રહેતા અને શાળામાં સાથે ભણતા ત્રણ મિત્રો ધ્યેય જમાસણા, દીપ રાજાપરા અને વાસુ સવસાણી સાથે ધ્રોલથી મામાના ઘરે આવેલા 12 વર્ષીય વંશિત વિજયભાઈ ખંભાયતા પણ ચેકડેમમાં ન્હાવા ગયો હતો. બપોરે 3 થી 4 વાગ્યાની આસપાસ બનેલા આ બનાવમાં ચારેય બાળકો ડૂબી ગયા હતા.
બનાવની જાણ થતાં ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી હતી, જેમાં પ્રથમ બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ચેકડેમ નજીકથી ચારેય બાળકોનાં કપડાં અને ચપ્પલ પણ મળી આવ્યાં હતાં. ત્યારબાદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા રાજકોટ મનપાના ફાયર વિભાગની ટીમ ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને બાકીના બે બાળકોની શોધખોળ હાથ ધરી હતી. ફાયર ટીમની જહેમત દરમિયાન ત્રીજો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ આશરે આઠ કલાકની શોધખોળ બાદ રાત્રે 11:30 વાગ્યે ચોથો મૃતદેહ મળી આવ્યો હતો. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

