મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા મહેન્દ્રનગર રામવાડી ખાતે 17મા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમારોહ દરમિયાન વિવિધ વિભાગોમાંથી આશરે 240 વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટ રજૂ કરી હતી. જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ મેળવનાર કુલ 97 વિદ્યાર્થીઓની પસંદગી કરી તેમને શિલ્ડ તેમજ શૈક્ષણિક કીટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આહીર સમાજના છ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સમાજના નવનિયુક્ત ક્લાસ-1 અને ક્લાસ-2 અધિકારીઓને પણ મંચ પરથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમને ચાવડા વિક્રમભાઈ ધીરુભાઈ તરફથી સંપૂર્ણ સહયોગ અને આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતું. માતૃ રામબાઈમાની જગ્યાના સંત પ્રભુદાસજી મહારાજના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરીબેન તથા રામબાઈ માં આશ્રમ, મયુરનગરના મહંતા વ્રજકિશોરીબેનના આશીર્વાદ પણ ઉપસ્થિતોને પ્રાપ્ત થયા હતા.
કાર્યક્રમ દરમિયાન આહીર સમાજના અધિકારીઓ જયશ્રીબેન જરુ, નિર્મળભાઈ ગોગરા, ઇલાબેન ચૌહાણ અને આશિષભાઈ મિયાત્રા દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મંચસ્થ મહેમાનોના હસ્તે વિદ્યાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણિક કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં સમાજના અગ્રણીઓ લાખાભાઈ જારીયા, ચંદુભાઈ હુંબલ, અમુભાઈ હુંબલ, ચંદુભાઈ લાવડીયા, અશ્વિનભાઈ ડાંગર, વિપુલભાઈ ગરચર, ભાવિકભાઈ જારીયા, ભુપેન્દ્રભાઈ જારીયા, સીતાબેન હુંબલ, બ્રિજેશભાઈ કુંભારવાડીયા, ડૉ. રામભાઈ વારોતરિયા, મહેન્દ્રભાઈ કચોટ તથા અજયભાઈ ડાંગર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
મંડળના મંત્રી મહેશભાઈ ડાંગર દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું, જ્યારે ખજાનચી ગૌરાંગભાઈ ગોહેલે મંડળની વિવિધ કામગીરી અને પ્રવૃત્તિઓનો પરિચય આપ્યો હતો. કારોબારી સભ્ય શિલ્પાબેન રાઠોડે અંતે આભારવિધિ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા મંડળના તમામ કારોબારી સભ્યોએ મહેનત કરી હતી. કાર્યક્રમનું મંચ સંચાલન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના સહમંત્રી રાજેશભાઈ મંઢ અને રમેશભાઈ છૈયાએ કર્યું હતું. મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલે ઉપસ્થિત તમામ મહેમાનો, વિદ્યાર્થીઓ અને આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. અંતે રાષ્ટ્રગાન સાથે સમારોહની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

