HomeNationalનેપાળમાં પૂરના પાણીમાં તણાયેલા બેંક લોકરમાંથી 57 લાખની ચોરી, પોલીસે 29 શખ્સોની...

નેપાળમાં પૂરના પાણીમાં તણાયેલા બેંક લોકરમાંથી 57 લાખની ચોરી, પોલીસે 29 શખ્સોની કરી અટકાયત

નેપાળમાં ભારે પૂરના કારણે સર્જાયેલી અફરાતફરી વચ્ચે ચોંકાવનારી લૂંટની ઘટના સામે આવી છે. ભોટેકોશી વિસ્તારમાં આવેલી બેંકમાંથી પૂરના પાણીમાં તણાઈ ગયેલું એક લોકર ધાદિંગ જિલ્લાના બેલખુખોલા નજીક મળી આવ્યું હતું. આ લોકર તોડી તેમાં રહેલી રોકડ રકમ કાઢી લેવાના આરોપસર પોલીસે 29 લોકોને કસ્ટડીમાં લીધા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, પૂરના તેજ પ્રવાહમાં બેંકનું લોકર તણાઈને ભોટેકોશીથી કેટલાય કિલોમીટર દૂર બેલખુખોલા વિસ્તાર સુધી પહોંચી ગયું હતું. સ્થાનિક લોકોને લોકર મળી આવ્યા બાદ તેને તોડી અંદર રહેલી રોકડ રકમ કાઢી લેવામાં આવી હોવાની માહિતી પોલીસને મળી હતી. ત્યારબાદ પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડી કસ્ટડીમાં લેવાયેલા શખ્સો પાસેથી કુલ 92.68 લાખ નેપાળી રૂપિયા રોકડ જપ્ત કરી છે, જે ભારતીય ચલણ પ્રમાણે આશરે રૂ.57 લાખ જેટલી રકમ થાય છે. પોલીસના હાથે ઝડપાયેલા લોકોમાં મોટા ભાગના ગલછી અને સિદ્ધલેક વિસ્તારના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. જ્યારે કેટલાક લોકો ચિતવન અને પરસાના વતની હોવા છતાં હાલ ધાદિંગમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા મુજબ કસ્ટડીમાં લેવાયેલા તમામ શખ્સોની ઉંમર 19થી 49 વર્ષની વચ્ચે છે. હાલ પોલીસે જપ્ત કરાયેલી રોકડ રકમ બેંકના લોકરમાંથી જ લેવામાં આવી હતી કે કેમ તે સહિત સમગ્ર ઘટનાની કડી જોડવા તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, રોકડ રકમ મેળવવામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં અને આ ઘટનામાં કુલ કેટલા લોકો સામેલ છે તે અંગે પણ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW