દેશની રાજધાની દિલ્હીમાં 16 વર્ષની સગીરા સાથે ચાલતી સ્લીપર બસમાં સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના મૈનપુરીની રહેવાસી અને ધોરણ-11માં અભ્યાસ કરતી સગીરા સાથે બસના ડ્રાઇવર અને કંડક્ટરે દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. ઘટના બાદ આરોપીઓ સગીરાને કાશ્મીરી ગેટ નજીક રિંગ રોડ પર ઉતારી ફરાર થઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી સ્લીપર બસ પણ કબજે કરી છે.
મળતી માહિતી મુજબ, સગીરા 4 ઓગસ્ટના રોજ માતાના ઠપકાથી નારાજ થઈ પરિવારને જાણ કર્યા વગર નોઈડા જવા નીકળી હતી. ભારે વરસાદ અને અંધારાના કારણે તે ભૂલથી પરી ચોક નજીક ઉતરી ગઈ હતી. નોઈડા જવાનો રસ્તો ન મળતાં તેણે ત્યાંથી પસાર થતી સ્લીપર બસને રોકી રસ્તા અંગે પૂછપરછ કરી હતી. બસના કંડક્ટરે બસ નોઈડા સેક્ટર-63 તરફ જતી હોવાનું જણાવી તેને બસમાં બેસાડી હતી.
બસમાં બેસ્યા બાદ સગીરાને ખબર પડી કે, બસમાં અન્ય કોઈ મુસાફર નહોતો. બસ આગળ વધ્યા બાદ કંડક્ટરે તેની સાથે અશોભનીય વર્તન શરૂ કર્યું હોવાનો આરોપ છે. ત્યારબાદ ડ્રાઇવર અને કંડક્ટરે મળીને ચાલતી બસમાં સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત, આ અંગે કોઈને જાણ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
મોડી રાત્રે આરોપીઓએ સગીરાને કાશ્મીરી ગેટ બસ ટર્મિનલ નજીક રિંગ રોડ પર ઉતારી દીધી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. સગીરાએ હિંમતપૂર્વક પોલીસનો સંપર્ક કરતાં કાશ્મીરી ગેટ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. તેનું મેડિકલ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
કોતવાલી એસીપી શંકર બેનર્જીની દેખરેખ હેઠળ પોલીસની વિશેષ ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાસ્થળ તથા આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ તપાસી આરોપીઓની ઓળખ કરી હતી. CCTVના આધારે પોલીસે ડ્રાઇવર કુલદીપ અને કંડક્ટર સંદીપને તિમારપુર પાર્કિંગ વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી સ્લીપર બસ પણ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

