શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચોથ એટલે કે ‘ગૌચોથ’ (જેને લોકબોલીમાં બોળચોથ તરીકે પણ ઓળખવામાં આવે છે)ના પવિત્ર તહેવારની આજે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ગૌમાતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને પોતાના બાળકના ઉત્તમ સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ માટે મહિલાઓ આજે દિવસભર ઉપવાસ રાખીને ગૌપૂજન કરવામાં આવે છે.
શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર આજે ગૌચોથના દિવસે વાછરડા સાથેની ગાયની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. સવારથી જ મહિલાઓ ગૌશાળા અને મંદિર પરિસરોમાં ગૌમાતાને કંકુ-ચોખાથી તિલક કરી, ભાખરી, જુવાર કે બાજરીનો કૂલડ અને અંકુરિત ધાન્ય (મગ, મોઠ, ચણા) ખવડાવી આશીર્વાદ મેળવી રહી છે. આ દિવસે ખાંડણ-પીસણ ન કરવાનો તેમજ છરી કે ચાકુથી કાપેલી વસ્તુઓ ન ખાવાનો વિશેષ નિયમ હોવાથી મહિલાઓ આજે ઘંટી કે મિક્સરનો ઉપયોગ ટાળે છે.
ધાર્મિક પરંપરા મુજબ બોળચોથના દિવસે ગાય કે વાછરડાનું દૂધ, દહીં અથવા તેમાંથી બનેલી વાનગીઓ આરોગવામાં આવતી નથી, જેથી વાછરડાને પૂરેપૂરું દૂધ મળી રહે. આ ઉપરાંત, રાંઘેલા ખોરાકમાં બાજરીના રોટલા કે ભાખરી અને બાફેલા ધાન્યનું સેવન કરવામાં આવે છે.
સાંજના સમયે સંધ્યાઆરતી બાદ મહિલાઓ ચંદ્રદેવ તથા ગૌમાતાના દર્શન-પૂજન કરીને પોતાના વ્રતના પારણા કરશે. ગૌચોથના આ પવિત્ર પર્વે શહેરની વિવિધ ગૌશાળાઓમાં પણ વિશેષ પૂજા-અર્ચના અને ગૌ-સેવાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે.

