સાબરકાંઠાના ઈડર તાલુકાના સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં દશામાંની મૂર્તિ પધરાવવા ગયેલા બે યુવકો પાણીમાં ડૂબી જતાં કરુણ ઘટના બની છે. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને બંને યુવકોની શોધખોળ માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, બે યુવકો દશામાંની મૂર્તિ પધરાવવા માટે સપ્તેશ્વર ખાતે સાબરમતી નદીમાં ગયા હતા. મૂર્તિ પધરાવતી વખતે બંને યુવકો અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. બંને યુવકો નદીમાં ડૂબ્યાની જાણ થતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી નદીમાં શોધખોળ શરૂ કરી હતી. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન બંને યુવકોના મૃતદેહ મળી આવતા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ મૃતદેહોને પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, નદીમાં ડૂબી જવાથી મોતને ભેટેલા બંને યુવકો મહેસાણા જિલ્લાના હોવાનું જાણવા મળ્યું છે. બંનેની ચોક્કસ ઓળખ સહિતની વિગતો અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ધાર્મિક વિધિ માટે ગયેલા બે યુવકોના અચાનક મોતથી પરિવારજનોમાં શોક છવાયો છે.


