મોરબીમાં ‘સેવા જ સાચો ઉત્સવ’ના સંદેશને સાર્થક કરતી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આર.એસ.એસ.ના કાર્યકર્તા દિલીપભાઈ પરમારના પરિવારજનો દ્વારા પુત્રી ધ્યાનીના જન્મદિવસ નિમિત્તે મકનસર ખાતે ડો. હેડગેવાર સ્મારક સમિતિ, મોરબી શાખા દ્વારા સંચાલિત નચિકેતા બાલ સંસ્કાર કેન્દ્રના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે દિલીપભાઈ પરમારે બાળકોને જીવનમાં શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ અંગે પણ બાળકોને માહિતી આપવામાં આવી હતી.
ધ્યાનીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બાલ સંસ્કાર કેન્દ્રના બાળકોને ચોકલેટ, સ્વાદિષ્ટ નાસ્તો તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે જન્મદિવસની ખુશી બાળકો સાથે વહેંચી પરિવારજનોએ ‘પોતાના જન્મદિવસ પર અન્યના ચહેરા પર સ્મિત લાવવું એ જ જીવનનો સાચો ઉત્સવ છે’ તે વિચારને સાર્થક કર્યો હતો.
આ પ્રસંગે ધ્યાનીના પરિવારજનો ઉપરાંત બાલ સંસ્કાર કેન્દ્રના સંચાલક સંતોષબેન ઘાટલિયા, ચિત્રકુટ ઉપનગરના સેવા પ્રમુખ હિતેષભાઈ પાડલીયા તેમજ ચિત્રકુટ ઉપનગરના સંપર્ક પ્રમુખ બેચરભાઈ અઘારા ઉપસ્થિત રહ્યા હતા.

