મોરબી જિલ્લાના વિકાસકાર્યો અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ સાથે પુરવઠા સલાહકાર સમિતિ તેમજ પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક પણ યોજવામાં આવી હતી.
બેઠક દરમિયાન મોરબી-રાજકોટ હાઈવેની ખરાબ સ્થિતિનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. આ અંગે રાજ્યમંત્રીએ સંબંધિત વિભાગોને તાત્કાલિક કામગીરી શરૂ કરવા કડક સૂચના આપી હતી. ઉપરાંત સરકારી જમીનના પ્રશ્નો, સરકારી કર્મચારીઓને ઓનલાઈન ક્વાર્ટર ફાળવણી, મોરબીને ટૂરિઝમ હબ તરીકે વિકસાવવાની યોજના અને ‘નમો વન’ના નિર્માણ સહિતના વિવિધ વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

