મોરબી જિલ્લાના પૌરાણિક જડેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના બીજા રવિવાર અને સોમવારને અનુલક્ષીને તા. 22/08/2026 થી તા. 24/08/2026 સુધી (કુલ 3 દિવસ) લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. લજાઈ ચોકડીથી વાંકાનેર જતા સ્ટેટ હાઈવે પર જી.આઈ.ડી.સી. આવેલી હોવાથી ભારે વાહનોની વધુ અવરજવરના કારણે મેળા દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે. ખાચર દ્વારા તા. 22/08/2026ના રોજ સવારે 7 વાગ્યાથી તા. 24/08/2026ના રાત્રે 12 વાગ્યા સુધી જાહેરનામું બહાર પાડી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જાહેરનામા અનુસાર લજાઈ ચોકડી, મોરબી રવાપર ગામ (ઘુનડા-સજનપર થઈને) તેમજ ટંકારા ખીજડીયા ચોકડી તરફથી રાતીદેવડી અને વાંકાનેર શહેર તરફ જતા ભારે વાહનોના પ્રવેશ પર રોક લગાવવામાં આવી છે. આ રૂટના વૈકલ્પિક રસ્તા તરીકે લજાઈ ચોકડી તરફથી જતા ભારે વાહનો માટે મિતાણા ચોકડીથી વાલાસણ, પીપળીયા રાજ અને અમરસર થઈને વાંકાનેર તરફ જવાનો માર્ગ નિર્ધારિત કરાયો છે. તેવી જ રીતે વાંકાનેરથી લજાઈ તરફ જતા ભારે વાહનો પણ અમરસર, પીપળીયા રાજ, વાલાસણ, મિતાણા ચોકડી અને ટંકારા થઈને લજાઈ તરફ જઈ શકશે.
આ જાહેરનામામાંથી એસ.ટી. બસો, સરકારી વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર ફાઈટર, શાળા-કોલેજના વાહનો, દૂધ-શાકભાજી જેવી આવશ્યક સેવાઓ તથા સામાજિક-ધાર્મિક કાર્યો સાથે સંકળાયેલા વાહનોને મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

