ગુજરાત સરકારે ઉંદરોને પકડવા માટે ઉપયોગમાં લેવાતા ગુંદરવાળા પૂઠાં એટલે કે ગ્લુ ટ્રેપ (Glue Trap) સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ તેમજ તેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રાણીઓ સાથે થતી ક્રૂરતા અટકાવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
સામાન્ય રીતે ઘરો, દુકાનો, ગોડાઉન અને અનાજના સ્ટોરમાં ઉંદરોનો ત્રાસ હોય ત્યારે તેમને પકડવા માટે સ્ટિકી બોર્ડ અથવા ગ્લુ ટ્રેપનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ટ્રેપ પર ચીકણો પદાર્થ લગાવવામાં આવે છે. ઉંદર તેના પર પગ મૂકતા જ તેમાં ચોંટી જાય છે અને બહાર નીકળવા માટે લાંબા સમય સુધી પ્રયાસ કરતો રહે છે. જોકે, ગ્લુ ટ્રેપમાં ફસાયા બાદ ઉંદરને ગંભીર શારીરિક ઈજા થવાની સાથે લાંબા સમય સુધી પીડા સહન કરવી પડતી હોવાના કારણે આ પદ્ધતિ સામે સવાલો ઉઠ્યા હતા. ઉંદર પોતાને છોડાવવાનો પ્રયાસ કરે ત્યારે તેના પગ, શરીર અને રૂંવાટીને નુકસાન પહોંચવાની શક્યતા રહે છે.
કેટલાક કિસ્સામાં ઉંદરનું મોઢું કે નાક પણ ગુંદર સાથે ચોંટી જવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. લાંબા સમય સુધી ટ્રેપમાં ફસાયેલા રહેતા ભૂખ અને તરસ ઉપરાંત ઈજા તથા અન્ય શારીરિક તકલીફોનો સામનો કરવો પડે છે. ભારતમાં પ્રાણીઓ સાથે ક્રૂરતા અટકાવવા માટે Prevention of Cruelty to Animals Act, 1960 અમલમાં છે. આ ઉપરાંત પ્રાણીઓના કલ્યાણ અને તેમની સાથે માનવીય વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે Animal Welfare Board of India (AWBI) પણ કામગીરી કરે છે.
ગ્લુ ટ્રેપમાં ફસાયેલા ઉંદરો લાંબા સમય સુધી સંઘર્ષ કરતા રહેતા હોવાથી આ પદ્ધતિને પ્રાણી સાથેની ક્રૂરતા સાથે જોડવામાં આવી છે. જેના પગલે ગુજરાતમાં પ્રાણી કલ્યાણને લગતા આદેશના આધારે ગ્લુ ટ્રેપ સામે પ્રતિબંધાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે રાજ્યમાં ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને ઉપયોગ કરનારાઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થઈ શકે છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઉંદરોને પકડવાની પ્રક્રિયામાં થતી અનાવશ્યક પીડા અને ક્રૂરતાને રોકવાનો છે.

